ગુજરાતમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ, રવિવારે (ત્રીજી ઓગસ્ટ) 4 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. સવારના 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે આ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના Nowcast મુજબ, રવિવારે (ત્રીજી ઓગસ્ટ) મહેસાણા, સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે.
રાજ્યમાં ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 66 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 77 ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે. આ વર્ષે કપાસ અને મગફળીનું રાજ્યના ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં આશરે 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.

