ચોમાસાની સિઝનમાં ખાતરની ખેંચ વર્તાઇ રહી છે પરિણામે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. ઠેર ઠેર ખાતર માટે લાઇનો લાગી છે. ખાતર ન મળતાં હવે કિસાન સંઘ મેદાને પડ્યું છે. કિસાન સંઘે ચિમકી ઉચ્ચારી છેકે, ખાતરનું બેફામપણ કાળાબજાર થઇ રહ્યાં છે. જો ખાતરની સમસ્યાનો ઉકેલ નહી આવે તો આગામી દિવસોમાં આંદોલન કરાશે.
છેલ્લાં કેટલાંય દિવસોથી ખાતર માટે ખેડૂતો ફાંફા મારી રહ્યાં છે. સહકારી મંડળીઓ પર ખાતર મેળવવા લાઇનો લાગી છે ત્યારે કિસાન સંઘના નેતાઓએ આક્ષેપ કર્યો છેકે, સબસીડાઇઝ્ડ ખાતર બારોબાર ખાનગી કંપનીઓને વેચી દેવાય છે. આ ઉપરાંત ખાતરના વિતરણમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી રહી છે. એવો પણ આરોપ મૂકાયો છેકે, ખેડૂતોને ખાતરની થેલીની સાથે સાથે નેનો યુરિયા ફરજિયાત આપવામાં આવી રહ્યું છે.
આ તરફ, રાજ્ય કૃષિ વિભાગના અધિકારીઓનું કહેવુ છેકે, રાજ્યમાં ખાતરનો પુરતા પ્રમાણમાં સ્ટોક છે. ખેડૂતોને ખાતરની ખેચ વર્તાય નહી તે માટે ખાસ ઘ્યાન આપવામાં આવી રહ્યુ છે. સબસીડાઇઝ્ડ ખાતરનું બારોબાર વેચાણ કરાય નહી તે માટે સહકારી મંડળી ઉપરાંત ખાતર વિક્રેતાઓ પર નજર રાખવામાં આવી રહી છે. થોડાક દિવસો પહેલાં જ કેટલાંય ખાતર ડેપો પર રેડ પાડીને ગેરરીતિ આચરતાં વિક્રેતાઓના લાઇસન્સ સુદ્ધાં રદ કરાયાં હતાં.
કોંગ્રેસ કિસાન સેલના નેતા પાલ આંબલિયાનું કહેવુ છેકે, ચૂંટણી આવે તે પહેલાં જ કિસાનસંઘને ખેડૂતો કેમ યાદ આવે છે. જમીન માપણી મુદ્દે કિસાન સંઘ કેમ મૌન બેઠુ છે. ખેડૂતોના અનેક પ્રશ્નો ઉકેલાતાં નથી ત્યારે કિસાન સંઘ કેમ સરકાર સામે બાંયો ચડાવતુ નથી. આરએસએસની એક સંસ્થા ખેડૂતોને ખાતર આપતી નથી ત્યારે બીજી સંસ્થા વિરોધ કરે છે. આ કેવું? આમ, ગુજરાતમાં ખાતર મુદ્દે કિસાન સંઘ અને કોંગ્રેસ કિસાન સેલ સામસામે આવ્યાં છે.

