પાકિસ્તાન સામે નવું સંકટ, સિંધુ ડેલ્ટાનું પાણી સૂકાતા 40 ગામ ઉજ્જડ બન્યાં, 12 લાખ વિસ્થાપિત

Latest News કાયદો ગુજરાત દેશ

 ભારતના પડોશી દેશ પાકિસ્તાન હાલ કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે, ભૂકંપ, અતિવૃષ્ટિ, પૂરના કારણે જનજીવન ખોરવાયુ છે. પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં સિંધુ ડેલ્ટા નદી વિસ્તાર દરિયામાં ડૂબી રહ્યો છે. જેના લીધે ત્યાંના 40 ગામડાંઓ ઉજ્જડ થયા છે. લોકો પલાયન કરી રહ્યા છે. સિંધુ ડેલ્ટા પ્રદેશમાં એક સ્થાયી સભ્યતાનો નાશ થયો છે. વાસ્તવમાં સિંધ પ્રાંતના દક્ષિણ છેડે અરબી સમુદ્રને અડીને આવેલા સિંધુ ડેલ્ટા પ્રદેશમાં સ્થિત લોકો પરંપરાગત રીતે ખેતી અને માછીમારી કરતા હતા, પરંતુ તાજેતરના વર્ષોમાં, દરિયાની જળ સપાટી વધી રહી હોવાથી નદીના પાણી ખારા થયા છે. જેથી ગામમાં તબાહી મચી છે.

આ ગામોમાંથી લગભગ 12 લાખ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના કરાચીમાં સ્થાયી થયા છે. તાજેતરમાં કરાચીમાં પલાયન કરનારા હબીબુલ્લાહ ખટ્ટી પોતાના પૈતૃક ગામ મીરબહારમાં માતાની કબર પર અંતિમ વિદાય આપવા આવ્યા હતા. કારણ કે તેમનું ગામ હવે સમુદ્રમાં ડૂબી રહ્યું છે. જ્યાં તેમની માતાની કબર છે, ત્યાં હવે દરિયાઈ મીઠાનું સામ્રાજ્ય છે. જ્યારે તે તેમની માતાની કબર પર પહોંચ્યા, ત્યાં અડધા-અડધ પગ  મીઠાના ઢગલાંમાં ખૂંપી ગયા હતા. આ ગામ સિંધુ ડેલ્ટાથી લગભગ 15 કિલોમીટર દૂર છે, જ્યાં સિંધુ નદી અરબી સમુદ્રને મળે છે.

હબીબુલ્લાહના જણાવ્યા મુજબ, ખારો ચાનમાં પહેલાં 40 ગામ હતા, પરંતુ દરિયાઈ જળ વિસ્તાર વધતાં તેમાંથી મોટાભાગના ગામો લુપ્ત થઈ ગયા છે. વસ્તી ગણતરીના ડેટા અનુસાર, 1981માં તે શહેરની વસ્તી લગભગ 26000 હતી, જે 2023માં ઘટીને 11,000 થઈ છે. હબીબુલ્લાહ ખટ્ટી પણ પોતાના પરિવાર સાથે કરાચીમાં સ્થાયી થવા જઈ રહ્યા છે. તેમની જેમ, આ ડેલ્ટામાંથી લગભગ 12 લાખ લોકો સ્થળાંતરિત થયા છે. થિંક ટેન્ક જિન્ના ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા બે દાયકામાં સિંધુ ડેલ્ટામાંથી લગભગ 12 લાખ લોકો પલાયન કરી ગયા છે.

યુએસ-પાકિસ્તાન સેન્ટર ફોર એડવાન્સ્ડ સ્ટડીઝ ઇન વોટર દ્વારા 2018માં હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ, સિંચાઈ નહેરો, જળવિદ્યુત બંધો અને પીગળતા બરફ અને હિમનદીઓ જેવી આબોહવા પરિવર્તનની અસરોને કારણે 1950ના દાયકાથી સિંધુ ડેલ્ટામાં પાણીનો પ્રવાહ 80 ટકા ઘટ્યો છે. તેના કારણે દરિયાઈ પાણી ડેલ્ટામાં વિનાશક ઘૂસણખોરી કરી રહ્યું છે અને નજીકના ગામડાઓને ગરકાવ કરી ગયું છે. 1990થી, ડેલ્ટાના પાણીની ખારાશ લગભગ 70% વધી છે, જેના કારણે ત્યાં પાક ઉગાડવાનું અશક્ય બન્યું છે અને લોબસ્ટર માછલી અને કરચલાની પ્રજાતિઓનો નાશ થયો છે.

તિબેટથી નીકળતી સિંધુ નદી કાશ્મીરમાંથી વહે છે અને પછી પાકિસ્તાનમાં વહે છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. આ કારણે પણ સિંધુમાં પાણીનો પ્રવાહ ઓછો થયો છે. નદી અને તેની ઉપનદીઓ પાકિસ્તાનની લગભગ  80% ખેતીલાયક જમીનને સિંચાઈ કરે છે અને લાખો લોકોને આજીવિકા પૂરી પાડે છે. સિંધુ નદીના બંને કાંઠે ભરાયેલા કાંપથી બનેલો આ ડેલ્ટા એક સમયે ખેતી, માછીમારી, મેન્ગ્રોવ અને વન્યજીવન માટે આદર્શ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *