સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટમાં ‘નો ચેન્જ’, RBIની મોટી જાહેરાત, EMI માં ફેર પડશે કે નહીં?

Latest News અપરાધ કાયદો દેશ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આજે પૂર્ણ થયેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, વર્તમાન મેક્રોઈકોનોમિક સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં રેપો રેટ 5.5 ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. ક્રેડિટ બજારો (લોનધારકો) અને વ્યાપક અર્થતંત્રે રેટ કટ માટે વધુ રાહ જોવી પડશે. ગવર્નરે ઉમેર્યું કે મધ્યમ ગાળામાં, બદલાતી વિશ્વ વ્યવસ્થા વચ્ચે ભારતીય અર્થતંત્ર તેની વારસાગત શક્તિ, મજબૂત મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત ઉજ્જવળ સંભાવનાઓ ધરાવે છે.

નિષ્ણાતોના મતે, છેલ્લી ત્રણ એમપીસી બેઠકમાં રેપો રેટ ઘટાડ્યા બાદ આરબીઆઈએ આ વખતે રેપો રેટ જાળવી રાખતાં લોનધારકો અને ડિપોઝિટર્સને રાહત આપી છે. તેથી તહેવારોની શરૂ થઈ રહેલી સીઝનમાં વપરાશમાં વૃદ્ધિ થવાની સાથે આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે. ઉલ્લેખનીય છે, ફેબ્રુઆરી જૂન દરમિયાન આરબીઆઈએ રેપો રેટમાં 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.

ટ્રમ્પે હાલમાં જ ભારત પર 25 ટકાનો ટેરિફ ઝીંકી તેમાં વધારો કરવાની ચીમકી આપી છે. તે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર અનેક પ્રતિબંધો લાદી દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. પરિણામે આરબીઆઈએ ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી છે.

આરબીઆઈએ નાણાકીય વર્ષ 26 માટે GDP ગ્રોથ અંદાજ 6.5 ટકા જાળવી રાખ્યો હતો. CPI ફુગાવો અગાઉના અંદાજિત 3.7 ટકાથી ઘટાડી 3.1 ટકા કરવામાં આવ્યો હતો.  મલ્હોત્રાએ જણાવ્યું હતું કે એમપીસી પેનલે નોંધ્યું છે કે નજીકના ગાળામાં ફુગાવાનો અંદાજ અપેક્ષા કરતા વધુ  રાહત આપનારો બન્યો છે અને આ વર્ષે ખાદ્ય ચીજોમાં મોંઘવારી ઘટતાં સરેરાશ CPI ફુગાવો લક્ષ્ય કરતાં નોંધપાત્ર રીતે નીચો રહેવાની અપેક્ષા છે. જો કે, CPI ફુગાવો Q4થી 4 ટકાના લક્ષ્યથી વધવાની શક્યતા છે.

હોમ લોન અને ઓટો લોનધારકોને વ્યાજના દર યથાવત રાખવાનો લાભ થયો છે. રેપો રેટમાં આરબીઆઈએ અગાઉ 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હોવાથી નીચા ધિરાણ દરો પર લોન મેળવી રહ્યા છે. જેથી તહેવારોમાં ખિસ્સા પર કોઈ વધારાનો બોજો પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *