ભારતે પોતાના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટેની યોજના વધુ સઘન બનાવી છે.આ જ યોજનાના હિસ્સારૂપે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો) લદાખમાં માર્સ -લાઇક એસ્ટ્રોનટ ટ્રેનિંગ ફેસિલિટી (સૂર્યમંડળના લાલ રંગી મંગળ ગ્રહ પર જવા માટે અવકાશયાત્રીઓનું તાલીમ કેન્દ્ર) શરૂ કરી છે.
ઇસરોના ચેરમેન ડો. વી.નારાયણને ૨૦૨૫ની ૩૧, જુલાઇએ, શુક્રવારે લદાખની ત્સો કર વેલી નામના સ્થળે હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન(એચઓપીઇ)નું ઉદ્ધાટન કર્યું છે.
ડો.વી.નારાયણને એવી માહિતી આપી છે કે એચઓપીઇ ખરેખર તો એનેલોગ મિશન છે.ભારતના અવકાશયાત્રીઓ ભવિષ્યમાં (૨૦૪૦) ચંદ્રની અને ત્યારબાદ મંગળની ધરતી પર ઉતરે તે માટે અમે અત્યારથી જ જરૂરી બધી તૈયારી શરૂ કરી છે. લદાખની આ ત્સો કર વેલી સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ ઘણા અંશે મંગળ ગ્રહની ભૌગોલિક પરિસ્થિતિ સાથે સમાનતા ધરાવતી હોવાથી તેની પસંદગી થઇ છે.
આ તાલીમ કેન્દ્રમાં અંતરિક્ષમાં હોય છે તેવું જ વાતાવરણ સર્જવામાં આવ્યું છે.
આ તાલીમ કેન્દ્રમાં બે ક્રૂ મેમ્બર્સ(બે વિજ્ઞાનીઓ) ૧થી ૧૦, ઓગસ્ટ દરમિયાન રહેશે. તાલીમ કેન્દ્રમાં બંને વિજ્ઞાનીઓ વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક પરિસ્થિતિમાં રહેશે. સાથોસાથ તેઓ સોઇલ કલેક્શન(ચંદ્રની અને મંગળની ધરતીના નમૂના ભેગા કરવા) અને માઇક્રોબાયલ ટેસ્ટિંગ(સુક્ષ્મ જીવ પર પરીક્ષણ) વગેરે જેવા વૈજ્ઞાનિક પ્રયોગો પણ કરશે. અમારા આ વિશિષ્ટ પ્રયોગમાં દેશની જુદી જુદી વિજ્ઞાન સંસ્થાઓ પણ જોડાઇ છે. ખાસ કરીને બંને વિજ્ઞાનીઓની સમગ્ર ગતિવિધિ પર ઇન્સ્ટિટયુટ ઓફ એરોસ્પેસ મેડિસીન ખાસ નિરીક્ષણ રાખશે.
લદાખના આ હોપમાં બે મોડયુલર યુનિટ્સ(બે વિભાગ) છે.એક, આઠ મીટર પહોળું રહેવા માટેનું અને બીજું, પાંચમીટર પહોળું વૈજ્ઞાનિક પ્રયોગો સહિત અન્ય કામગીરી માટેનું છે. આ તાલીમ કેન્દ્ર દ્વારા જે માહિતી મળશે તેના આધારે ભારતના ભાવિ મૂન મિશન અને માર્સ મિશનના કાર્યક્રમો તૈયાર થશે.

