નેવીનું એફ-35 ફાઈટર જેટ કેલિફોર્નિયામાં તૂટી પડયું…

Latest News આરોગ્ય કાયદો દેશ

અમેરિકન નેવીનું પાંચમી પેઢીનું અત્યાધુનિક ફાઈટર જેટ એફ-૩૫ બુધવારે સાંજે ૬.૩૦ કલાકે કેલિફોર્નિયામાં નેવલ એર સ્ટેશન લેમૂર નજીક તૂટી પડયું હતું. જોકે, પાયલટે સમયસર ઈજેક્ટ થઈને જીવ બચાવ્યો હતો. અમેરિકન નેવીના આ એરસ્ટેશન પર પાયલટોને નિયમિતરૂપે તાલિમ અપાય છે. નેવીએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

અમેરિકન નેવીએ જણાવ્યું કે, તૂટી પડેલું એફ-૩૫ વિમાન નેવીની સ્ટ્રાઈક ફાઈટર સ્ક્વોડ્રન વીએફ-૧૨૫નું હતું. રફ રેઈડર્સ તરીકે ઓળખાતી આ સ્ક્વોડ્રન મુખ્યત્વે પાયલટો અને એર ક્રૂને તાલિમ આપે છે. આ વિમાન કોઈ યુદ્ધ અથવા ઓપરેશનલ મિશનનો ભાગ નહોતું તેમ પણ અમેરિકન નેવીએ સ્પષ્ટતા કરી હતી. અમેરિકાના પાંચમી પેઢીના ફાઈટર જેટ એફ-૩૫ દુનિયાના સૌથી આધુનિક અને સ્ટીલ્થ ફાઈટર વિમાન ગણાય છે, જે છુપાઈને હુમલો કરવા માટે પ્રખ્યાત છે. આ ફાઈટર જેટ દુનિયાનું સૌથી મોંઘું લડાકુ વિમાન છે, જેમાં અત્યાધુનિક એવિયોનિક્સ, રડાર સિસ્ટમ અને હથિયાર સિસ્ટમ લાગેલી હોય છે. એવામાં આ વિમાનનું ક્રેશ થવું માત્ર ટેકનિકલ તપાસનો વિષય જ નથી પરંતુ સુરક્ષા નિષ્ણાતો માટે પણ ચિંતાનું કારણ છે.

કેલિફોર્નિયામાં એર સ્ટેશન લેમૂર નજીક તૂટી પડેલા વિમાનની કિંમત ૧૦૦ મિલિયન યુએસ ડોલર હતી. આ વર્ષે અમેરિકાનું બીજું એફ-૩૫ ફાઈટર જેટ તૂટી પડયું છે. અગાઉ જાન્યુઆરીમાં અલાસ્કામાં એલ્સન એરફોર્સ બેઝમાં ટ્રેઇનિંગ મિશન દરમિયાન એરફોર્સનું એફ-૩૫એ તૂટી પડયું હતું. આ સિવાય બ્રિટિશ રોયલ નેવીનું એક એફ-૩૫નું ખરાબ હવામાન અને ઈંધણ ખૂટી પડવાના કારણે કેરળના થિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમર્જન્સી ઉતરાણ કરાવવું પડયું હતું. ત્યાર પછી ફાઈટર પ્લેનમાં ખામી સર્જાતા તેને રિપેર કરવામાં બ્રિટિશ નેવીને એક મહિનો લાગી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *