ટ્રમ્પના ટેરિફ પર લોકસભામાં ભારત સરકારનું નિવેદન, કહ્યું- ‘રાષ્ટ્રહિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’

Latest News Uncategorized કાયદો દેશ

ઓપરેશન સિંદૂર પર સંસદના બંને ગૃહ રાજ્યસભા અને લોકસભામાં ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. હવે બંને ગૃહોમાં સામાન્ય કામગીરી ચાલી રહી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફ પર નિવેદન આપ્યું હતું.

વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ટેરિફ જાહેરાત પર લોકસભામાં નિવેદન આપ્યું હતું. પિયૂષ ગોયલે કહ્યું હતું કે, ‘બંને પક્ષો વચ્ચે ચાર રાઉન્ડની દ્વિપક્ષીય બેઠકો યોજાઈ હતી. કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ઘણી મહત્ત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. આયાત પર 10થી 15 ટકા ટેરિફ અંગે ચર્ચા થઈ હતી. દ્વિપક્ષીય વેપાર કરાર અંગે ચર્ચા થઈ હતી. કેટલીક વર્ચ્યુઅલ બેઠકો પણ યોજાઈ હતી. અમે આપણા સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરીશું. અમે રાષ્ટ્રીય હિતમાં જરૂરી દરેક પગલાં લઈશું. વિશ્વ વિકાસમાં ભારતનું યોગદાન 16 ટકા છે અને આપણે વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છીએ. અમેરિકાના આ પગલાંની અસરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.’

ગોયલે ભાર આપતાં કહ્યું કે, ‘આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય પર અગ્રેસર છે. સરકાર ઉદ્યોગ સાહસિકો સાથે વાત કરી રહી છે. અમે દેશને સુરક્ષિત રાખવા માટે તમામ પગલાં ભરીશું. ભારત થોડા જ વર્ષોમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આપણી નિકાસમાં વધારો થયો છે. આપણે ખેડૂતો માટે કામ કરી રહ્યા છીએ. સરકારને વિશ્વાસ છે કે આપણે 2047 સુધીમાં વિકસિત દેશ બની જઈશું.’

તેમણે લોકસભામાં કહ્યું કે, ‘ભારત આજે પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાનું બ્રાઇટ સ્પોટ છે. સરકાર ખેડૂતો, MSMEs અને ઉદ્યોગ સાહસિકોના હિતની સંપૂર્ણ રીતે રક્ષા કરશે. અમે જરૂરી તમામ પગલા ભરીશું જેથી દેશના વ્યાપારિક હિતોને કોઈ નુકસાન ન થાય. ભારતે UAE અને ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ કર્યા છે, જેનાથી નિકાસને નવી ગતિ મળી છે. ભારત વૈશ્વિક વ્યાપારમાં ઊભું રહેશે અને સરકાર દેશહિતમાં તમામ પડકારોનો સામનો કરશે.’

પિયૂષ ગોયલના નિવેદન પછી સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી દિવસભર માટે મુલતવી રાખવાની જાહેરાત કરી. અગાઉ, સ્પીકરે શૂન્ય કાળની કાર્યવાહી શરુ કરવાની વાત કરી હતી. પરંતુ વિપક્ષી સભ્યોએ હોલમાં આવીને હંગામો શરુ કર્યો હતો. આ પછી અધ્યક્ષ સ્થાનેથી સ્પીકરે શુક્રવાર, 1 ઑગસ્ટના રોજ સવારે 11 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી.

30 જુલાઈના રોજ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પાયે શસ્ત્રો અને ઓઇલ ખરીદી રહ્યું છે. હાલ આખું વિશ્વ ઇચ્છે છે કે, રશિયા યુક્રેનમાં હુમલા કરવાનું બંધ કરે. આ બધું યોગ્ય નથી થઈ રહ્યું. આ માટે ભારતે પણ 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે. આ નિયમ પહેલી ઑગસ્ટથી લાગુ થઈ જશે. આભાર. મેક અમેરિકા ગ્રેટ અગેઇન.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *