સિંહોમાં આવતા રોગની સૌથી વધુ અસર બચ્ચાઓ પર થઈ રહી છે. સિંહો અને તેના બચ્ચાઓ પર સૌથી વધુ સંકટ પણ ચોમાસાની સિઝનમાં જ મંડરાય છે. અગાઉની જેમ જ સિંહોમાં સીડીવી નામનો રોગ પ્રસરી રહ્યો હોવાની આશંકા વચ્ચે વનતંત્ર દ્વારા બેબેસીયા રોગ હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગીરમાં તથા બહારના વિસ્તારમાં વસવાટ કરતા તમામ સિંહો પર વનતંત્ર નજર રાખી રહ્યું છે.
સિંહોના ચોમાસાની સિઝનમાં થતા મોત અંગે વેટરનરી તબીબના જણાવ્યા પ્રમાણે ભેજવાળુ વાતાવરણ હોવાથી સિંહોને ફેંફસા પર અસર થાય છે. તેમાંય નબળા સિંહો હોય તો તેમને વધુ અસર થવાથી તે મોતને ભેટે છે. ચોમાસામાં વાયરસ હાવી થઈ જવાની શક્યતાઓ વધી જાય છે. અગાઉ એક-બે-પાંચ સિંહો ગુ્રપમાં જોવા મળતા હતા હવે હાલની સ્થિતિમાં સિંહો 10-15ના ટોળામાં જોવા મળી રહ્યા છે. જેમ મોટું ગ્રુપ હોય તેમ તેના પર સંકટ વધી જાય છે. એક સિંહને રોગની અસર થાય તો તેનો ચેપ તેની સાથેના તમામ સિંહોને લાગે છે. સિંહોના ગ્રુપ મોટા થવાનું કારણ એ છે કે, તેમને તૈયાર મારણ મળતા થઈ ગયા છે. કોઈપણ રેવન્યુ વિસ્તારમાં મારણ થાય તો વન વિભાગ જંગલમાં તેને લઈ નક્કી કરેલી જગ્યાએ નાખી દે છે. આ ઉપરાંત ગૌશાળા કે જ્યાં મૃત પશુઓ નાખવામાં આવતા હોય ત્યાં સિંહોને તૈયાર મારણ મળી રહે છે.
જાફરાબાદના કાગવદર ગામે બનેલી ઘટના અંગે ગુજરાત વન વિભાગના ચિફ વાઈલ્ડ લાઈફ વોર્ડન જયપાલસિંઘે જણાવ્યું હતું કે, સિંહોના અલગ-અલગ ગુ્રપમાંથી ત્રણ બાળ સિંહોના મોત થયા છે, જે બાળ સિંહોના મોત થયા તેના ગ્રુપના સિંહોને રેસ્ક્યુ કરી તેના તમામ રિપોર્ટ કરાવવાની કામગીરી ચાલી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ ક્યો રોગ છે તે સ્પષ્ટ થશે પરંતુ સીડીવી નામનો ગંભીર રોગ નથી, બેબેસીયા રોગ હોવાનું અનુમાન છે. ચોમાસાની સિઝનમાં બચ્ચાઓના મોત થવાની સંખ્યા વધી જતી હોય છે તેને ધ્યાને લઈ સમગ્ર વિસ્તારમાં સ્ક્રિનીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

