મિલિટ્રી ઓપરેશન કે સમજૂતી સિવાય કોઈ વિકલ્પ નથી

મિલિટ્રી ઓપરેશન કે સમજૂતી સિવાય કોઈ વિકલ્પ નથી
મિલિટ્રી ઓપરેશન કે સમજૂતી સિવાય કોઈ વિકલ્પ નથી

દુબઈ/વોશિંગ્ટન: ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈસ્લામિક ગણરાજ્ય સાથે ‘અસંભવ’ મિલિટ્રી ઓપરેશન અથવા સમજૂતી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં હોવાનો દાવો કર્યો હતો. આ સાથે ઈરાને અમેરિકાને ૩૦ દિવસના યુદ્ધવિરામનો ૧૪ મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે, ટ્રમ્પે આ પ્રસ્તાવની સમીક્ષા કરવાની સાથે તે સ્વીકૃત નહીં હોય તેવા પણ સંકેત આપ્યા હતા. સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ઈરાને ૪૭ વર્ષ સુધી કરેલા કૃત્યોની હજુ સુધી યોગ્ય કિંમત ચૂકવી નથી. આ નિવેદને ફરી યુદ્ધ ભડકવાની આશંકા ઊભી કરી છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ ઈરાન સામે શરૂ કરેલું યુદ્ધ ૮ એપ્રિલથી અટકેલું છે. ત્યાર પછી પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાનો નિષ્ફળ પ્રયત્ન થઈ ગયો છે. આ સિવાય ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી પર નાકાબંધી સામે અમેરિકાએ ઈરાનના બંદરો પર નાકાબંધી કરેલી છે. આ સામ-સામી નાકાબંધી વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણા થઈ શકી નથી અને ત્યારથી અમેરિકા અને ઈરાન ધાક-ધમકી વચ્ચે પરસ્પર શાંતિ પ્રસ્તાવો આપી રહ્યા છે.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પાસે યુદ્ધવિરામ અંગે નિર્ણય લેવાનો સમય ઘટી ગયો છે. તેમણે આ માટે ચીન, રશિયા અને યુરોપના વલણમાં આવેલા ફેરફાર ટાંક્યા હતા. આ સાથે ઈરાને પ્રમુખ ટ્રમ્પને ૧૪ સૂત્રોનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. ઈરાને કહ્યું, બંને પક્ષો વચ્ચે પેન્ડિંગ મુદ્દાનો ૩૦ દિવસમાં ઉકેલ આવવો જોઈએ અને યુદ્ધવિરામને લંબાવવાના બદલે યુદ્ધ સમાપ્ત કરવા પર ધ્યાન આપવું જોઈએ. તહેરાનના પ્રસ્તાવમાં ઈરાનની સરહદેથી અમેરિકન સૈન્ય દળોને પાછા હટાવવા, નાકાબંધી દૂર કરવી, ઈરાનની જપ્ત સંપત્તિઓને મુક્ત કરાવવી અને પ્રતિબંધ હટાવવાનો સમાવેશ થાય છે.  સાથે લેબનોન સહિત બધા જ મોરચા પર યુદ્ધ સમાપ્ત કરવા અને હોર્મુઝની ખાડી માટે એક નવા તંત્ર પર સહમતીનો પણ ઉલ્લેખ કરાયો હતો.

હોર્મુઝની ખાડીમાં ઈરાનના બંદરો પર અમેરિકાની નાકાબંધીના કારણે ઈરાનનું ચલણ રિયાલ સતત બીજા દિવસે રવિવારે યુએસ ડોલર સામે વધુ નબળું થયું હતું. તહેરાનના મુખ્ય ચલણ એક્સચેન્જ પર રિયાલ ડોલર સામે ૧૮.૪૦ લાખના નવા તળીયે ટ્રેડ થયો હતો. આગામી દિવસોમાં રિયાલમાં વધુ કડાકાની આશંકા છે.  

ઈરાનના પ્રસ્તાવ અંગે ટ્રમ્પે કહ્યું કે તેઓ તેની સમીક્ષા કરશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તેવી શક્યતા ઓછી છે. ઈરાને છેલ્લા ૪૭ વર્ષમાં માનવતા અને દુનિયા સાથે કરેલા કૃત્યો માટે હજુ સુધી પર્યાપ્ત કિંમત ચૂકવી નથી. ફ્લોરિડામાં એરફોર્સ વનમાં સવાર થતા પહેલા ટ્રમ્પે કહ્યું, ઈરાનનો ૧૪ સૂત્રીય પ્રસ્તાવ તેમણે હજુ જોયો નથી. તેઓ તેની સમીક્ષા કરશે.

અમેરિકામાં આ વર્ષના અંતમાં મધ્યવર્તી ચૂંટણીઓ યોજાવાની હોવાથી ટ્રમ્પ પર વહેલી તકે યુદ્ધ ખતમ કરવાનું દબાણ છે. આ યુદ્ધના કારણે અમેરિકામાં ગેસોલિનના ભાવ પ્રતિ ગેલન ૪.૩૯ ડોલરે પહોંચી ગયા છે, જે યુદ્ધ શરૂ થયા બાદથી ૪૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગેસોલિનના ભાવ વધારાથી ટ્રમ્પ પર દબાણ વધ્યું છે.

દરમિયાન અમેરિકાએ મધ્ય-પૂર્વમાં તેના સાથી દેશોને ૮.૬ અબજ ડોલર (અંદાજે રૂ. ૮૧,૭૦૦ કરોડ)ના હથિયારોના વેચાણને મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પ સરકારે કોંગ્રેસની મંજૂરી વિના જ ઉતાવળે આ નિર્ણય લીધો હોવાથી અમેરિકા ઈરાન સામે ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ કરે તેવી આશંકા છે. અમેરિકન વિદેશ વિભાગે આ નિર્ણયને રાષ્ટ્રીય સુરક્ષા માટે ઈમરજન્સી ગણાવ્યો છે. આ પેકેજમાં ઈઝરાયેલને એડવાન્સ્ડ પ્રિસીજન કિલ વેપન સિસ્ટમ અને સંબંધિત ઉપકરણો લગભગ રૂ. ૯,૪૨૪ કરોડમાં અપાઈ રહ્યા છે જ્યારે કુવૈતને બેટલ કમાન્ડ સિસ્ટમ અંદાજે રૂ.૨૩,૭૫૦ કરોડમાં અપાશે. 

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો દાયરો હવે બદલાઈ રહ્યો છે. ઈરાન પર વિનાશક હુમલા કરી ભારે નુકસાન પહોંચાડયા પછી અમેરિકાએ હવે આર્થિક દબાણ વધારવાનું શરૂ કર્યું છે. હોર્મુઝની ખાડીમાં ઈરાનની નાકાબંધી સામે અમેરિકાએ પણ ઈરાનના બંદરોની નાકાબંધી કરી છે. બીજીબાજુ હોર્મુઝની ખાડીમાંથી જહાજોના પસાર થવા માટે ઈરાન ક્રિપ્ટો કરન્સીમાં ટોલ વસૂલી રહ્યું છે ત્યારે અમેરિકાએ હવે ઈરાનના ગેરકાયદે ફંડ્સને ભાળ મેળવવાની સાથે તેની ડિજિટલ એસેટ્સને પણ ફ્રીઝ કરવાની તૈયારી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાએ ઈરાન સાથે સંકળાયેલા ક્રિપ્ટો એકાઉન્ટ્સમાં લાખો ડોલર જપ્ત અથવા બ્લોક કરી દીધા છે. વિશેષરૂપે આકરા પ્રતિબંધોના સમયમાં અબજો ડોલરના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનની ઈરાન સાથે લિંક મળી છે. આ સિવાય ઈસ્લામિક દેશ સાથે સંકળાયેલા અનેક સંગઠનોના મોટા ટ્રાન્ઝેક્શનને પ્રોસેસ કરવા માટે વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જોનો ઉપયોગ કરે છે. ઈરાન ઓઈલની નિકાસની ચૂકવણી માટે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરે છે. ઈરાનના કેટલાક ગૂ્રપ મિલિટ્રી ડ્રોન ખરીદવા માટે પણ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકાએ હવે ઈરાનના આ નેટવર્કને તોડી પાડવાની કવાયત હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...