ખુદ પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપી લેતાં…

Latest News અપરાધ કાયદો

રાજકોટમાં રહેતો એક શખ્સ પત્ની અને પુત્રને સાસુને ત્યાં મુકી બહારગામ જઈ રહ્યાનું કહી રવાના થયો હતો. જો કે આજે પત્નીને શંકા જતાં માતા સાથે મળી પતિની મહિલા મિત્રને ત્યાં તપાસ કરી હતી. જયાંથી પતિ અને તેની મહિલા મિત્ર રૂમમાંથી મળી આવ્યા હતા. ભાંડો ફૂટી જતાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્ની સાથે ઝપાઝપી કરી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

સાધુ વાસવાણી રોડ પરના વિસ્તારમાં રહેતાં રંજનબેન નામના મહિલાએ જણાવ્યું કે તેની પુત્રીએ બે વર્ષ અગાઉ ઉમંગ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. સંતાનમાં એક પુત્ર છે. ગઈ તા. 18ના રોજ રાત્રે જમાઈ ઉમંગ તેની પુત્રી અને પુત્રને તેના ઘરે મુકી ગયો હતો. પોતાને પોલીસ શોધતી હોવાનું જણાવી બહારગામ જઈ રહ્યાનું કહી રવાના થઈ ગયો હતો.

આજે સવારે તે તેની પુત્રી સાથે પેન્શન લેવા ગયા હતા. પરત આવતી વખતે તેની પુત્રીને શંકા ગઈ હતી. કારણ કે તેનો જમાઈ તેની પુત્રીને વીડિયો કોલ કરતો ન હતો. જેથી તેની પુત્રી તેને લઈ પતિની મુંજકામાં રહેતી મહિલા મિત્રના ઘરે પહોંચ્યા હતા. જયાં તેનો પતિ તે મહિલા મિત્ર સાથે હાજર મળી આવ્યો હતો.

જેથી તેણે જમાઈને ઠપકો આપતાં તેણે અને તેની મહિલા મિત્રએ તેની પુત્રી સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. તેની સાથે પણ બંનેએ ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં તેની પુત્રીએ તેના મોબાઈલમાં ફોટા પાડતાં જમાઈએ તે મોબાઈલનો ઘા કરતાં ડીસ્પ્લે તુટી ગઈ હતી. તે વખતે તેના જમાઈએ કહ્યું કે જો હવે અહીં આવ્યા છો તો બંનેને જાનથી મારી નાખીશ. ત્યાર પછી પુત્રી સાથે ગાંધીગ્રામ-ર પોલીસ મથકે જઈ જમાઈ અને તેની મહિલા મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.  રંજનબેને વધુમાં જણાવ્યું કે અગાઉ પણ તેની પુત્રીએ પતિને આ જ મહિલા મિત્ર સાથે પકડી લીધા હતા. તે વખતે તેના જમાઈએ તેની પુત્રીને હવે પછી આવું નહીં કરું તેમ કહેતાં મામલો થાળે પડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *