અંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અહીં ફરી એકવાર મંદિરના પુજારીઓ અને ટ્રસ્ટી મંડળ વચ્ચે વિવાદ પેદા થયો છે. પુજારીઓ દ્વારા ખુબ જ ચોંકાવનારા આક્ષેપો વહીવટી તંત્ર સામે કરવામાં આવ્યા છે. જેનાં કારણે બરોબર ભાદરવી પુનમ પહેલા જ મંદિરનું વાતાવરણ ફરી એકવાર ડહોળાયું છે. પુજારીઓ દ્વારા ટ્રસ્ટીઓ પર મનસ્વી નિર્ણયો કરવા અને એ પુજારીઓ સહિત સમગ્ર સ્ટાફ પર થોપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. અંબાજી મંદીર અંગે પૂજારીઓ દ્વારા ટ્રસ્ટના મનસ્વી નિર્ણય સંદર્ભે વિવિધ 9 મુદ્દાઓ અંગે રજુઆત કરવામાં આવી હતી. ટ્રસ્ટના સંચાલક મંડળમાં અધિકારીઓ સાથે સ્થાનિક ધારાસભ્ય તથા સરપંચનો સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત બ્રાહ્મણોના પ્રવેશ, પ્રસાદ, ટેમ્પલ ઈન્સ્પેક્ટરની મંજૂરી તથા ધજા ચઢાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે પુજારીઓ દ્વારા સીધો જ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીને તત્કાલ અસરથી કાર્યવાહી કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. અંબાજી મંદિરનું સરકારે વ્યાપારી કરણ કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. બંધારણ મુજબ ધારાસભ્ય અને સરપંચને સભ્ય બનાવવા જોઈએ તેવી પણ માંગ કરી હતી. બ્રાહ્મણના ગોત્ર, શાખા પૂછવામાં આવે છે તેવી પણ રજુઆત કરવામાં આવી હતી.
મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચડાવવા માટે ઢોલ મળે અને અમે લઈ જઈએ તો ઢોલ અને અન્ય કોઇ પમ સુવિધા નહી આપવામાં આવતી હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત મંદિરમાં ખોટા બહાનાઓ હેઠળ લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવતું હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ગબ્બર ડુંગરની આસપાસ જે 51 શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી તેમાં કોઇ પ્રકારની પુજા વીધી કે થાળ કે ભોગ નહી ધરાવાતો હોવાની પણ રજુઆત કરવામાં આવી હતી.

