મુલુંડ પોલીસે મંગળવારે એક અનધિકૃત કોલ સેન્ટર પર રેડ પાડી હતી જે આંતરરાષ્ટ્રીય બેંકમાંથી લોન મંજૂર કરવાનું વચન આપીને ઘણા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યું હતું. પોલીસે કોલ સેન્ટર ચલાવતા પાંચ લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લેપટોપ, મોબાઇલ અને અન્ય સામગ્રી જપ્ત કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી મુલુંડ પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો મુલુંડ કોલોની વિસ્તારમાં નકલી કોલ સેન્ટર દ્વારા નાગરિકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તેની પુષ્ટિ થયા પછી, પોલીસે મંગળવારે આ કોલ સેન્ટર પર છાપો મ્ર્યો હતો. જાણવા મળ્યું હતું કે એક ઘરમાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી બે લેપટોપ, ૧૧ મોબાઇલ, રોકડ અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.
આરોપીઓ નાગરિકોને ફોન પર સંપર્ક કરીને અથવા આંતરરાષ્ટ્રીય બેંકમાંથી લોન મેળવવા માટે સંદેશા મોકલીને લલચાવી રહ્યા હતા. કોઈ લોન લેવા માટે સંમત થતાં જ તેમની પાસેથી વિવિધ ફીમાં મોટી રકમ પડાવવામાં આવી રહી હતી. લોન મંજૂરીના નકલી દસ્તાવેજો પણ તેમને મોકલવામાં આવી રહ્યા હતા. પોલીસને શંકા છે કે આ આરોપીઓએ ઘણા લોકો સાથે મોટા પાયે છેતરપિંડી કરી છે. પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.

