કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅટ) ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે દેશની રાજધાની નવી દિલ્હીમાં સ્થિત હોટેલ તાજ એમ્બેસેડરમાં ગ્લોબલ ટેક પોલિસી ફોરમ દ્વારા આયોજિત એક ભવ્ય સમારંભમાં કૅટના રાષ્ટ્રીય અધ્યક્ષ, વરિષ્ઠ સમાજસેવી, ઉદ્યોગપતિ અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બાલકૃષ્ણ ભારતિયાને ભારત ટેક એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને દેશભરના વેપાર સમુદાયના ડિજિટલીકરણ, ઈ-કોમર્સ નીતિ નિર્માણ અને ટેક્નોલોજીના માધ્યમથી વેપાર સુધારણા માટેના તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવ્યું હતું.
આ અવસર પર કૅટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દેશભરના અનેક પ્રતિષ્ઠિત ટેકનોલોજી નિષ્ણાતો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ અને નીતિનિર્માતાઓ પણ હાજર રહ્યા હતા
આ પ્રસંગે શંકર ઠક્કરે અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘ, કૅટ અને ભારતીય ભ્રષ્ટાચાર નિવારણ સંસ્થા (ACIC) તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આ સન્માન માત્ર ભારતિયાજી ના પ્રયાસોનું પ્રતિબિંબ નથી, પરંતુ સમગ્ર વેપારી સમુદાય માટે ગૌરવની વાત છે. તેમની ઉર્જાસભર કાર્યશૈલી, દૂરદર્શિતા, સંગઠન પ્રત્યેનું સમર્પણ અને આગેવાનીના ગુણોના કારણે કૅટ આજે આ સ્થાન સુધી પહોંચ્યું છે. તેમણે વેપારીઓને હંમેશા નવી દિશા આપી છે અને આવતા સમયના વેપાર માટે માર્ગદર્શન આપ્યું છે જેથી વેપારીઓ પડકારોથી પછાડી ન જાય અને વૈશ્વિક વેપારમાં સ્પર્ધા કરી શકે.

