કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૅટ) ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે આ વખતે દિવાળીના તહેવારે દેશના વેપાર જગતમાં અતિ આનંદની લહેર ફેલાવી છે. દેશભરના બજારોમાં અદભૂત ભીડ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈ એમ.એમ.આર., દિલ્હી, જયપુર, અમદાવાદ, લખનૌ, ભોપાલ, ઈન્દોર, પટણા, ચેન્નાઈ અને કોલકાતા જેવા મુખ્ય શહેરોથી લઈને નાના ગામડાંઓ સુધી વેપારીઓ સતત વેચાણમાં વ્યસ્ત છે.
દિલ્હીના ચાંદની ચોકમાંથી સાંસદ તેમજ કૅટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી.એસ.ટી.ના દરોમાં કરેલી વ્યાપક કપાત અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગની કરેલી અપીલે વેપારમાં નવી ગતિ આપી છે સ્વદેશી ઉત્પાદનોની માંગમાં ભારે વધારો થયો છે, જ્યારે વિદેશી અને ઑનલાઇન વેચાણને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
કૅટ ના અનુસાર આ વખતે દિવાળી સિઝનમાં વેપાર ₹5 લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચવાની શક્યતા છે, જ્યારે અગાઉ તેનો અંદાજ ₹4.75 લાખ કરોડનો હતો સાથે જ ઈવેન્ટ મેનેજમેન્ટ, ગિફ્ટ પેકેજિંગ, કૅબ સર્વિસ, પોર્ટર સર્વિસ, ઑર્કેસ્ટ્રા કલાકારો, ડેકોરેશન, ફટાકડા, મીઠાઈઓ અને ફૂલો જેવા સેવા ક્ષેત્રોમાં પણ ધમધમતા ધંધાની અપેક્ષા છે.
બજારોમાં આ વખતે માટીના દીવા, કૅન્ડલ્સ, રંગીન ઝાલર, પરંપરાગત સજાવટની વસ્તુઓ, સૂકા મેવા, ગિફ્ટ પૅક, ભારતીય વસ્ત્રો, સોના–ચાંદીના આભૂષણો, ઘરેલુ ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ, મીઠાઈઓ અને નમકીનની વેચાણે ઊંચી સપાટીને સ્પર્શી છે. વેપારી વર્ગ ઉત્સાહપૂર્વક પ્રધાનમંત્રી મોદીના “વોકલ ફૉર લોકલ” સંદેશને સાકાર કરી રહ્યો છે.
દિવાળી તહેવારોની શ્રેણી 18 ઑક્ટોબરે ધનતેરસ, 19 ઑક્ટોબરે નરક ચતુર્દશી, 20 ઑક્ટોબરે દિવાળી, 22 ઑક્ટોબરે નવ વર્ષ અને ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ, 23 ઑક્ટોબરે ભાઈ બીજ, 27–28 ઑક્ટોબરે છઠ્ઠ પૂજા અને 2 નવેમ્બરે તુલસી વિવાહ સાથે ચાલુ રહેશે

