અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં એર ઈન્ડિયાના પેસેન્જર વિમાન ક્રેશ થવાની ઘટના તાજી છે, ત્યારે એર ઈન્ડિયાનું કેરળના કોચીથી આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ એરપોર્ટ પર રનવે પરથી લપસી ગયું. ત્રણ ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં એન્જિન ક્રોલ થવા, એક પાંખના ફ્લૅપ અને વિમાનના નોઝ વ્હીલ એરિયાને ભારે નુકસાન થયું હતું. આ ઘટનામાં મુસાફરોનો બચાવ થયો.
સોમવારે ભારે વરસાદ દરમિયાન કોચીથી મુંબઈ આવી રહેલું વિમાન ‘એઆઈ ૨૭૪૪”ઉતરાણ કરતી વખતે રનવે પરથી લપસી ગયું. આ ઘટના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સવારે ૯.૨૭ વાગ્યે બની હતી. ‘એરબસ એ૩૨૦’ વિમાન રનવે ૨૭ પર ઉતરતા જ નિયંત્રણ ગુમાવી દીધું. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તે લગભગ ૧૬ થી ૧૭ મીટર ધૂળિયા વિસ્તારમાં લપસી ગયું. ત્યારબાદ, વિમાન ટેક્સીવે દ્વારા પાર્કિંગ સ્ટેન્ડ પર પહોંચ્યું. આ અકસ્માતમાં વિમાનના ત્રણ ટાયર ફાટી ગયા હતા અને એન્જિન કાઉલિંગ, એક પાંખનો ફ્લૅપ અને નોઝ વ્હીલ એરિયાને નુકસાન થયું હતું. આ ઘટના પછી, વિમાન સુરક્ષિત રીતે ટર્મિનલ ગેટ પર પહોંચ્યું અને બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા.
એરલાઇન વહીવટીતંત્ર અને સંબંધિત અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ભારે વરસાદને કારણે વિમાન લપસી ગયું હતું. જોકે, સૂત્રો દ્વારા આપવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં વિમાનના પાંખ અને વ્હીલ એરિયા પર ઘાસ અને કાદવ ફસાયેલો જોવા મળ્યો હતો. રનવે પર પણ થોડું નુકસાન થયું હતું. ત્યારબાદ, પ્રથમ રનવે બંધ થયા પછી, બીજો રનવે કાર્યરત કરવામાં આવ્યો હતો. એર ઇન્ડિયા અને એરપોર્ટ વહીવટીતંત્રે દાવો કર્યો છે કે બધા મુસાફરો સુરક્ષિત છે. પરંતુ આ ઘટનાએ ઘણા ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

