કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૅટ)ના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ 4 ઓક્ટોબર 2025થી અમલમાં આવી ગઈ છે, પરંતુ તેમાં ખામીઓના કારણે હવે મુશ્કેલીઓ આવવા લાગી છે. આરબીઆઈએ આ નવી સિસ્ટમ શરૂ કરી હતી જેથી બેંકમાં ચેક મૂક્યા બાદ તે 4 કલાકની અંદર પાસ થઈ જાય અને એકાઉન્ટમાં તરત જ પૈસા આવી જાય.
હાલમાં, ટેકનિકલ ખામી અને કર્મચારીઓની યોગ્ય તાલીમના અભાવે ચેક ક્લિયરિંગ અને સેટલમેન્ટ સિસ્ટમમાં મુશ્કેલીઓ આવવા લાગી છે. આ રીતે નવી સિસ્ટમ લાગુ થઈ હોવા છતાં લોકોને ચેક ક્લિયર થવામાં બે દિવસથી વધુ સમય લાગી રહ્યો છે, જ્યારે યોજના એવી હતી કે ચેક તાત્કાલિક ક્લિયર થઈ જાય અને પૈસા ઝડપથી એકાઉન્ટમાં આવી જાય.
ઘણા લોકોને એવો અનુભવ થયો છે કે પોતાના એકાઉન્ટમાં ચેક જમા કર્યા બાદ પહેલા બેંકો દ્વારા જણાવાયું કે નવી સિસ્ટમ હેઠળ ચેક એ જ દિવસે ક્લિયર થઈ જશે. પરંતુ સાંજ સુધી એકાઉન્ટમાં પૈસા ન આવતા, સ્કેનિંગ મશીનમાં તકલીફ હોવાને કારણે ચેક જૂની પદ્ધતિથી ક્લિયરન્સ માટે મોકલાયો હોવાનું જણાવાયું. પછી પહેલાની જેમ બીજા દિવસની સાંજ સુધી પૈસા આવી જશે એવું કહેવામાં આવ્યું, પણ 48 કલાકથી વધુ સમય બાદ પણ કોઈ અપડેટ મળ્યો નહીં.
મોટાભાગની બેંકોમાં સ્ટાફને નવી સિસ્ટમ અંગે પૂરતી તાલીમ ન હોવાને કારણે મુશ્કેલીઓ આવી રહી છે. ચેકની ખરાબ અને ધૂંધળી તસ્વીરો તેમજ સ્કેન કરવાની અલગ-અલગ પદ્ધતિઓને કારણે પણ સમસ્યા વધી રહી છે. બેન્ક કર્મચારીઓ નું કહેવું છે કે નવી સિસ્ટમ હેઠળ તેમને તાત્કાલિક સ્કેનિંગ, નીચી ગુણવત્તાવાળી સ્કેન ઈમેજ અને અધૂરી ચેક ઈમેજ જેવી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે સેટલમેન્ટમાં વિલંબ થઈ રહ્યો છે.
આ સમસ્યા મોટા શહેરોની તુલનામાં નાના શહેરો કે નોન-મેટ્રો સિટીઝમાં વધુ જોવા મળી રહી છે, જ્યાં સુધી કર્મચારીઓ નવી સિસ્ટમના આદી થયા નથી. સરકારી બેંકના એક અધિકારીએ જણાવ્યું કે CTS સિસ્ટમ શરૂ થતાં સમયે પણ આવી જ મુશ્કેલીઓ આવી હતી, આશા છે કે આ વખતે પણ સ્થિતિ જલ્દી સુધરી જશે.
શંકર ઠક્કરે આગળ જણાવ્યું કે સરકારએ સિસ્ટમ લાગુ કરતાં પહેલા બેંકના કર્મચારીઓને સંપૂર્ણ તાલીમ આપવાની જરૂર હતી અને થોડો સમય આ સિસ્ટમને ટ્રાયલ બેઝ પર થોડા શહેરોમાં અમલમાં મૂકવી જોઈતી હતી તો લોકોને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડ્યો હોત. તહેવારોના સમય હોવાથી વેપારીઓને વધુ માલ ખરીદવો પડે છે, જેનું ચુકવણી સમયસર થવું જરૂરી છે, પરંતુ ચેક ક્લિયરિંગમાં થઈ રહેલી ખામીઓના કારણે વેપારીઓના ખરીદ અને ચુકવણીમાં સમસ્યા આવી રહી છે, જેની અસર ગ્રાહકો પર પડી શકે છે, તેથી આરબીઆઈએ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

