વિરાર પશ્ચિમના અર્નાલામાં રહેતા એક પરિવાર પર સોમવારે સવારે એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુરુવારે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ સેલ ૩ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
વિરાર પશ્ચિમના અર્નાલા બંધારપાડા ગામમાં રહેતા ગોવારી પરિવાર પર સોમવારે સવારે ૩ વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. જગન્નાથ ગોવારી (૭૬), લીલા ગોવારી (૭૨) અને નેત્રા ગોવારી (૫૨) ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં અર્નાલા સાગરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચ સેલ ૩ ની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ૫૦૦ થી વધુ સીસીટીવીના આધારે આ શોધ કરી હતી અને ટેકનિકલ માહિતીના આધારે, આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ દિપેશ અશોક નાઈક (૨૯) છે અને તે મુંબઈમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. આરોપી અર્નાલાના બંદરપાડાનો રહેવાસી છે અને દેવાને કારણે ચોરી કરવાના ઇરાદે ગોવારી પરિવાર પર હુમલો કર્યાનું પોલિસ તપાસમા બહાર આવ્યુ છે.
પોલીસે માહિતી આપી છે કે નાઈકે કેટલાક લોકો સાથે આર્થિક છેતરપિંડી પણ કરી છે અને તેના પર ૪૦ લાખ રૂપિયાનું દેવું હતું. વધુ તપાસ માટે આરોપીને અર્નાલા સાગરી પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યો છે.

