વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના મરાઠવાડામાં રેલવે પ્રોજેક્ટ્સ માટે છેલ્લા૧૦ વર્ષમાં ૨૧ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જ્યારે યુપીએના સમયમાં ફક્ત ૪૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું
રેલવે પ્રોજેક્ટના બીડ-અહિલ્યાનગર સેક્શનનું ઉદ્ઘાટન કર્યા પછી એક સભાને સંબોધતા, ફડણવીસે અગાઉની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર પર ભંડોળ ન આપીને પ્રદેશમાં રેલવે પ્રોજેક્ટ્સ અટકાવવાનો આરોપ લગાવ્યો હતો.
નાયબ મુખ્ય પ્રધાન અને બીડના પાલક પ્રધાન અજિત પવાર, મંત્રી પંકજા મુંડે અને બીડના સાંસદ બજરંગ સોનાવણે પણ આ કાર્યક્રમમાં હાજર હતા.
‘વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં મરાઠવાડામાં રેલવે પ્રોજેક્ટ્સ માટે રૂ. ૨૧ હજાર કરોડ ફાળવ્યા હતા, જ્યારે તત્કાલીન યુપીએ (યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ) સરકારે દસ વર્ષમાં રૂ. ૪૫૦ કરોડ ફાળવ્યા હતા,’ એમ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે જમીન સંપાદન સંબંધિત અવરોધો દૂર કરવા છતાં, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની એમવીએ સરકાર જે લગભગ અઢી વર્ષ સત્તામાં રહી તેણે મરાઠવાડામાં રેલવે પ્રોજેક્ટ્સ માટે રાજ્યનો ૫૦ ટકા હિસ્સો આપ્યો નહીં. પરિણામે, પ્રોજેક્ટ્સ અટકી પડ્યા હતા.

