શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે ભારતીય સૈનિકો સરહદો પર પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે ત્યારે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી એ રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન છે તે માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ‘સિંદૂર’ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રવિવારે યોજાનારી બંને દેશો વચ્ચેની એશિયા કપ મેચનો બહિષ્કાર કરવો એ આતંકવાદ પર ભારતના વલણને વિશ્ર્વ સમક્ષ રજૂ કરવાની તક છે.
ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં તેમણે આશ્ર્ચર્ય વ્યક્ત કરતા ‘દેશભક્તો’ને એવી અપીલ કરી હતી કે તેઓ ક્રિકેટ મેચ ન જુએ કારણ કે પહલગામ આતંકવાદી હુમલાના ઘા હજુ તાજુ છે ‘આ ક્રિકેટ મેચ રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન છે. શું આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જોઈએ જ્યારે આપણા સૈનિકો સરહદો પર પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે?’ એવો સવાલ ઠાકરેએ કર્યો હતો.
કેન્દ્ર સરકારની ટીકા કરતાં ઠાકરેએ ક્રિકેટ મેચને દેશભક્તિની મજાક ગણાવતાં કહ્યું હતું કે આ મેચનો બહિષ્કાર કરવાથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ વિશે દુનિયાને એક મજબૂત સંકેત મળશે.
‘આ (અવિભાજિત) શિવસેનાના વડા (બાળ ઠાકરેનું) વલણ હતું. જો લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી, તો ક્રિકેટ અને લોહી (સાથે) કેવી રીતે ચાલી શકે?’ એમ જણાવતાં તેમણે આરોપ લગાવ્યો કે તેઓ (ભાજપ) દેશભક્તિના નામે વેપાર કરી રહ્યા છે.
ઠાકરેએ કહ્યું કે સેના (યુબીટી) મેચ સામે વિરોધ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું હતું કે પાર્ટીની મહિલા કાર્યકરો સિંદૂર એકત્રિત કરશે અને તેને વડા પ્રધાન કાર્યાલયમાં મોકલશે.

