લોકોની સુવિધામાં વધારો થાય કે નહીં, પરંતુ મ્યુનિ.ની રેવન્યુ આવક એટલે કે વેરા વસૂલાતની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના શહેરીજનો પાસેથી ગત નાણાકીય વર્ષ એટલે કે 2024-25માં મ્યુનિ.એ ચાર પ્રકારના વેરા પેટે કુલ રૂ.1832 કરોડની અધધ રકમ ઉઘરાવી હોવાનું જાહેર કરાયું છે. સાથે સાથે મ્યુનિ.એ એવો દાવો પણ કર્યો છે કે, રેવન્યુ આવકમાં ગત વર્ષની સરખામણીએ રૂ.615 કરોડનો વધારો થયો છે. એટલે કે અમદાવાદના શહેરીજનોએ અગાઉના વર્ષ કરતા આટલી રકમ વેરા પેટે વધારે ચૂકવી છે!
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ ગત નાણાકીય વર્ષ 2024-25ના વાર્ષિક હિસાબોની પ્રક્રિયા પૂર્ણ કરીને તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા મુજબ રેવન્યુ આવક રૂ.7944.96 કરોડની સામે રેવન્યુ ખર્ચ રૂ.5870.85 કરોડ થયો છે. એટલે કે ખર્ચની સામે રેવન્યુ આવક રૂ. 2074 કરોડ વધારે થઈ છે.
જે ગત વર્ષની સરખામણીએ 615 કરોડ વધારે છે. રેવન્યુ આવકમાંથી ઓક્ટ્રોય વળતર ગ્રાન્ટ, નોન ટેક્સ આવક કે અન્ય આવક સાથે લોકોને કંઈ લેવા-દેવા નથી. પરંતુ રેવન્યુ આવકમાં સમાવિષ્ટ જનરલ ટેક્સ અને અન્ય સીધા કર, વોટર ટેક્સ અને કન્ઝરવન્સી ટેક્સ, વાહન વેરો કે વ્યવસાય વેરા સાથે લોકોને સીધી લેવા-દેવા છે. કારણ કે આ રકમ લોકોએ પોતાના પરસેવાની કમાણીમાંથી ચૂકવી છે.
આ ચારેય હેડનો કુલ સરવાળો રૂ.1832 કરોડ જેવો થાય છે. લોકોને સારા રસ્તાની સુવિધા ભલે ન મળતી હોય, પણ મ્યુનિ.એ રૂ.223 કરોડનો વાહન વેરો એક વર્ષમાં વસૂલ્યો છે. આવી રીતે જ પૂર્વમાં શેરીએ શેરીએ પીવાના પ્રદૂષિત પાણીની સમસ્યા વચ્ચે પણ વોટર ટેક્સ પેટે રૂ.514 કરોડની રકમ લોકોના ખિસ્સામાંથી મ્યુનિ.એ કાઢી લીધી છે.

