શક્તિપીઠ અંબાજીમાં જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે ઊજવાઈ રહ્યો છે. જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કઠિન પગપાળા યાત્રા કરી મા અંબાના ધામમાં ઉમટી રહ્યા છે. જ્યા મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિરના ચારચચોકમાં હૈયે હૈયું દળાય તેટલા માઈભક્તો ઉમટી પડતાં સમગ્ર વાતાવરણ બોલ માડી અંબે, જય જય અંબેના નારાથી ગૂંજી ઉઠતાં ભક્તિનો માહોલ છવાયો છે.
ત્યારે ભાદરવી પૂનમના મહામેળામાં આ વર્ષે આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ઇતિહાસમાં સૌ પ્રથમવાર અંબાજી શક્તિપીઠના ચાચર ચોકમાં ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો હતો. જે મેળાનું મુખ્ય આકર્ષણ બન્યો હતો.
ભાદરવી મહાકુંભના ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને આ ભવ્ય શોના સાક્ષી બન્યા હતા. 400 ડ્રોન દ્વારા મેળા અને માતાજીની થીમ પર એક અલૌકિક શો રજૂ કરવામાં આવ્યો હતો. આકાશમાં રંગબેરંગી લાઇટોથી ઝગમગતા ડ્રોન, મા અંબાના પવિત્ર મંદિરની આબેહૂબ છબી, ‘જય માતાજી’નું લખાણ, ત્રિશૂળ અને શક્તિના પ્રતિકો જેવી અનેક આકૃતિઓ બનાવીને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રથમ વખત યોજાયેલા ડ્રોન શોમાં 400 ડ્રોન દ્વારા આકાશમાં સુંદર રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ અનોખા આયોજનથી ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે આ નવતર પ્રયોગને ખૂબ વધાવ્યો હતો.
વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા કે મોટરમાર્ગે પહોંચતા લાખો માઈભક્તોની સુરક્ષા અને સલામતી તકેદારી લેવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર એઆઈ ટેકનોલોજી આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન, ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર સતત નજર રાખી શકાય છે. સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્ત્વના સ્થળો પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ થાય છે.
અંબાજી ભાદરવી મેળામાં યાત્રિકોની સુરક્ષાના અન્ય ઉપકરણો જોઈએ તો પીપલ કાઉન્ટિંગ કેમેરા 12, એઆઈ કેમેરા 12, સોલાર બેઝ એએલ કેમેરા 20, બોડી વોર્ન કેમેરા 90, પોલીસ વ્હિકલ માઉન્ટિંગ કેમેરા, ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ વિથ માઈક્રો ફોન સ્પીકર તેમજ હંગામી તમામ પાર્કિંગ કેમેરાની ફીડ જીપીવાયવીબી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં આપી મેળામાં કોઈપણ અસામાજિક કે ગુનાઈત પ્રવૃતિ પર બાજ નજર રાખી તેને ડામી શકાય છે.
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું 28 લાખ લીટર પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે. અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેસરથી પાણી મળે એ માટે ધરોઇ જળાશય દ્વારા 18 લાખ લિટર પાણી ઈપલાઇન દ્વારા પૂરું પાડવામાં આવે છે. તથા 10 લાખ લિટર પાણી સ્થાનિક સ્ત્રોત દ્વારા અંબાજીમાં પાઈપલાઈન મારફત પૂરું પાડવામાં આવે છે. જેમાં અંબાજીથી દાતા રોડ પર 25 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને ગબ્બર રોડ પર 4 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ પાર્કિંગ જેવી જગ્યાએ ટેન્કર મારફત પાણી પૂરું પાડવામાં આવે છે.

