શનિવારે અનંતચતુર્દશીના વિધ્નહર્તા ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે મુંબઈ શહેર સહિત ઉપનગરમાં આવેલા ૭૦ નૈસર્ગિક અને ૨૯૦ કૃત્રિમ વિસર્જન સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી છે. તે માટે પાલિકા તરફથી ૧૦ હજારથી વધારે અધિકારી- કર્મચારીઓ તહેનાત કરવામા આવ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશભક્તોને છ ફૂટથી ઓછી ઊંચાઈની મૂર્તિઓેને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાની અપીલ કરી છે.
મુંબઈમાં મહત્ત્વના વિસર્જન સ્થળો પણ પાલિકા દ્વારા છેલ્લાં બે મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં ગણેશમૂર્તિના વિસર્જન માટે આવનારા વાહનો ચોપાટીની માટીમાં ફસાઈ ના જાય તે માટે અને મૂર્તિનું વિસર્જન વિધ્ન વગર પાર પડે તે માટે વિવિધ ઠેકાણે આવેલી ચોપાટીના કિનારા પર ૧,૧૭૫ સ્ટીલ પ્લેટ તેમ જ નાની ગણેશમૂર્તિના વિસર્જન માટે જુદા જુદા ૬૬ જર્મન તરાફાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચોપાટીઓ પર સુરક્ષાની દૃષ્ટિએ ૨,૧૭૮ લાઈફગાર્ડ સહિત ૫૬ મોટરબોટ તહેનાત કરવામાં આવી છે. ફૂલ-હારના નિર્માલ્યને જમા કરવા માટે ૫૯૪ નિર્માલ્ય કશ સહિત ૩૦૭ નિર્માલ્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે
પાલિકાના જુદા જુદા ખાતાના કર્મચારીઓમાં યોગ્ય સમન્વય સાધવા માટે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત પ્રશાસકીય વોર્ડના સ્તર પર ૨૪૫ કંટ્રોલરૂમ આવેલા છે. તો સુરક્ષાની દૃષ્ટિએ ૧૨૧ ટાવર વોચ ઊભા કરવામાં આવ્યા છે. વિસર્જન સ્થળ પર ૪૨ ક્રેનની સાથે જ જુદા જુદા વિસર્જન ઠેકાણે ૨૮૭ સ્વાગત કક્ષ તૈયાર કરવામાં આવ્યા છે.
પાલિકાના આરોગ્ય વિભાગ મારફત વિસર્જન સ્થળે આવનારા ભક્તો માટે ૨૩૬ પ્રથમોપચાર કેન્દ્ર સહિત ૧૧૫ ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વિસર્જન સ્થળે પ્રકાશ મળી તે માટે ૬,૧૮૮ ફ્લડલાઈટ અને ૧૩૮ સર્ચલાઈટ બેસાડવામાં આવી છે. નાગરિકોની સુવિધા માટે ૧૯૭ તાત્પૂરતા શૌચાલયો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

