માધવપુરા બેન્કના 1020 કરોડના કૌભાંડમાં ચુકાદાની રાહ જોતા ખાતેદારો ગુજરી પણ ગયા

Latest News આરોગ્ય કાયદો ગુજરાત

માધવપુરા બેન્કના કૌભાંડમાં એસીબીની કલમ લાગુ ના પડે તેમ ઠરાવી એસીબી કોર્ટે થોડા મહિના પહેલાં 22 જેટલા કેસો નીચલી કોર્ટ(મેટ્રો કોર્ટ)ને પરત મોકલી આપવામાં આવ્યા છે ત્યારે બીજીબાજુ, 25 વર્ષ બાદ એક કેસમાં ચુકાદો આપતાં સ્પેશિયલ એસીબી કોર્ટે માધવપુરા બેન્કને રૂ.37.91 લાખનું નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં આરોપી હર્ષદકુમાર દુર્ગાપ્રસાદ શર્મા અને તેની કંપનીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. જો કે, મેટ્રો કોર્ટમાં મોકલાયેલા કેસો કયારે ચાલશે અને કયારે ચુકાદો આવશે તેની રાહ જોતાં બેન્કના ઘણા ખાતેદારો-થાપણદારો તો હવે ગુજરી પણ ગયા છે.

આ કેસમાં માધવપુરા બેન્કના અધિકારી ચેતનકુમાર શાહે તા.5-4-2004ના રોજ આરોપી હર્ષદકુમાર શર્મા અને તેની કંપની શ્રીરામ એલોયસ એન્ડ સ્ટીલ, બેન્કના ચેરમેન રમેશ નંદલાલ પરીખ અને એમડી દેવેન્દ્ર ભગવાનજી પંડયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપી હર્ષદુમાર શર્મા અને તેની કંપનીને બેન્ક દ્વારા નીતિ નિયમો નેવે મૂકી ચઢતા વ્યાજે લાખો રૂપિયાની લોન આપી દેવાઇ હતી અને બાદમાં તેઓએ રૂ.37.91 લાખની વ્યાજ સાથેની રકમ ભરપાઇ નહી કરતાં આખરે ફરિયાદ થઇ હતી.

ધી માધવપુરા મર્કેન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્કના કરોડોના રૂ.1020 કરોડના કૌભાંડના ગુજરાત સહિત સમગ્ર સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચાવનારા કેસને 23-23 વર્ષોના વ્હાણાં વીતવા આવ્યા છતાં તેમ જ કેસનો ટ્રાયલ ચલાવવા સરકાર દ્વારા નીમાયેલા ખાસ સરકારી વકીલોને લાખો-કરોડો રૂપિયાની ફી ચૂકવાતી રહી હોવાછતાં પોતાની જીવનભરની મૂડી અને કમાણી ગુમાવી બેઠેલા હજારો ખાતેદારોને હજુ કયારે ન્યાય મળશે તેને લઇ સૌથી મોટો સવાલ ઉઠ્યો છે.

વર્ષ 2001માં માધવપુર મર્કેન્ટાઇલ કો.ઓ.બેન્કમાંથી ગેરકાયદે રીતે શેરબજારના સટ્ટાકીંગ કેતન પારેખ અને તેની કંપનીઓએ આડેધડ લોનો મેળવી ભરપાઇ નહી કરતાં બેન્ક રૂ.1020 કરોડના ફડચામાં ગઇ હતી. જેને પગલે ગુજરાતની આશરે 70 જેટલી બેન્કોને અસર થઇ હતી અને તેમણે પણ નાણાંકીય તરલતા ગુમાવી હતી. જેમાં મોટાભાગની સહકારી બેન્કો હતી. સટ્ટાકીંગ કેતન પારેખ પાસેથી વ્યાજ સહિત એક હજાર કરોડથી વધુની રીકવરી કાઢીને બેન્ક દ્વારા કોર્ટમાં અરજીઓ  કરાયેલી છે, જે મામલો પણ પડતર પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *