ઠાસરા તાલુકાનું હિંમતનગર લાટ ગામ શેઢી નદીની નજીક આવેલું છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી શેઢી નદીના પુરના વહેતા પાણી ૪૦૦ વીઘાથી વધુ ખેતરોમાં ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા ૧૫૦ વીઘામાં રોપેલી તમાકુના છોડ પાણીમાં તણાઈ ગયા અને કોહવાઈ ગયા છે. ૧૦૦ વીઘામાં ડાંગરના પાક નાશ પામ્યો છે. જ્યારે ૧૫૦ વીઘા જમીનમાં દિવેલાનો પાક પણ ધોવાઈ ગયો છે. ધસમસતા પાણીના પ્રવાહના કારણે ખેતરોમાં મોટા વહેરા પડી જઈ જમીનનું પણ ધોવાણ થયું છે.
હિંમતનગર લાટ ગામના ખેડૂતોએ નાખેલા મોંઘા ધરૂ, ખાતર પુરમાં ખેંચાઈ જતા ખેડૂતો હાલ કફોડી હાલતમાં મૂકાયા છે. ૪૦૦થી વધુ વીઘામાં પાક અને જમીનનું ધોવાણ થતા તંત્ર અને ખેતી વિભાગ દ્વારા શેઢી નદીના કાંઠાગાળામાં પુરના પાણીથી પ્રભાવિત ગામોની જમીનોનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા માંગણી ખેડૂતો કરી રહ્યા છે.
