ગાઝા પટ્ટીના સૌથી મોટા શહેર ગાઝા સિટી પર ઈઝરાયલી લશ્કરી કાર્યવાહી ચાલુ છે. ગુરુવારે (28મી ઓગસ્ટ) રાત્રે ગાઝા પર ઈઝરાયલી બોમ્બમારા દરમિયાન 16 લોકો માર્યા ગયા અને અનેક ઈજાગ્રસ્ત થયા. અત્યાર ગાઝામાં ઈઝરાયલી હુમલાઓમાં કુલ 71 લોકો માર્યા ગયા છે.
અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં ખોરાક લેવા માટે રાહત વિતરણ કેન્દ્ર પર પહોંચેલા લોકો પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ચાર નાગરિકો માર્યા ગયા હતા અને 27 ઈજાગ્રસ્ત થયા હતા. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે જ્યાં સુધી હમાસ અને તેના સંલગ્ન સંગઠનોના માળખાનો ખાતમો ન થાય ત્યાં સુધી તેનું ઓપરેશન ચાલુ રહેશે.
ઓક્ટોબર 2023થી ગાઝામાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં 62 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે. આ સાથે ખાદ્ય પુરવઠા પર પ્રતિબંધોને કારણે ભૂખમરા અને કુપોષણને કારણે 317 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં 121 બાળકોનો સમાવેશ થાય છે.
ઈઝરાયલે ગાઝા શહેરમાં મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. તાજેતરમાં જ સેનાના ટેન્કો શહેરની હદમાં પ્રવેશ્યા અને તોપમારો શરૂ કર્યો અને ખાલી ઘરો તોડી પાડ્યા. ઘણી જગ્યાએ હમાસના લડાકુઓ અને ઈઝરાયલી સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું. અહેવાલ અનુસાર, ઈઝરાયલના ગિવાટી બ્રિગેડે હમાસના લડાકુઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેમના ઘણાં હથિયારના ડેપોનો નાશ કરવામાં આવ્યો છે.
અગાઉ ઈઝરાયલે ગાઝામાં ફરી ભયાનક હુમલો કર્યો હતો. ઈઝરાયલી સેનાએ ગાઝાની નાસર હોસ્પિટલ પર બે મિસાઈલો ઝિંકી હતી, જેમાં ચાર પત્રકાર સહિત 19 લોકોના મોત થયા છે. આ મામલે હજુ સુધી ઈઝરાયલી સેના અને વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

