અમેરિકાના ૫૦ ટકા ટેરિફ સામે દેશના નિકાસકારોને રાહત પૂરી પાડવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આવનારા દિવસોમાં કરન્સી બજારમાં દરમિયાનગીરી કરવાનું ટાળશે અને ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેશે તેવી બજારના વર્તુળો ધારણાં રાખી રહ્યા છે.
હાલમાં ક્રુડ તેલના ભાવ નીચા છે ત્યારે રૂપિયાને નબળો પડવા દેવાનું રિઝર્વ બેન્ક જોખમ લેશે તેવી શકયતા નકારાતી નથી એમ કરન્સી બજારના એક ટ્રેડરે જણાવ્યું હતું.
રૂપિયામાં નબળાઈની સ્થિતિમાં નિકાસકારોને ડોલર સામે વધુ રૂપિયા પ્રાપ્ત થાય છે. ભારતની સરખામણીએ તેના એશિયામાંના હરિફ દેશોના માલસામાન પર અમેરિકાએ ૨૦થી ૪૦ ટકા વચ્ચે ટેરિફ જાહેર કરી છે.
સ્પર્ધામાં ટકી રહેવા ટેરિફના આ તફાવતમાંથી માર્ગ કાઢવાનું ભારત માટે જરૂરી બની રહે છે. આ માર્ગોમાં સબ્સિડીસ, ધિરાણ દરમાં ઘટાડો તથા રૂપિયાનું એડજસ્ટમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે ડોલર સામે રૂપિયાને તૂટતો અટકાવવા રિઝર્વ બેન્ક દરમિયાનગીરી કરતી રહે છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને જોતા રિઝર્વ બેન્ક દરમિયાનગીરી કરવાનું ટાળી ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેશે તો નવાઈ નહીં ગણાય એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
હાલમાં ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલરની નીચે છે અને ખાધ્ય પદાર્થોની કિંમતી પણ નિયંત્રણ હેઠળ હોવાથી રૂપિયામાં ઘસારાથી આયાતી ફુગાવાનું જોખમ ઘણું જ મર્યાદિત રહેશે તેવી પણ રિઝર્વ બેન્ક ગણતરી મૂકી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે સોમવારે એક કાર્યક્રમમાં બોલતા રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલહોત્રાએ અમેરિકા દ્વારા બુધવારથી લાગુ થનારી એકંદર ૫૦ ટકા ટેરિફની ઘરઆંગણે આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર જણાશે તો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નીતિવિષયક પગલાં દ્વારા તેને પ્રતિસાદ આપશે એમ જણાવ્યું હતું.
સેવા ક્ષેત્રની મજબૂત નિકાસ તથા ઈનવર્ડ રેમિટેન્સિસના વિક્રમી સ્તરના ટેકા સાથે ભારતની ચાલુ ખાતાની ખાધ નીચી જોવા મળી રહી છે, એમ જણાવી તેમણે દેશનું બહારી ક્ષેત્ર મજબૂત હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

