અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ દંડ સ્વરૂપે ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લગાવવા માટે મંગળવારે નોટિફિકેશન જાહેર કરી દીધું છે, જેને પગલે બુધવારથી ભારતથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના સામાન પર અસર થશે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં શ્રીમ્પ, એપરલ, લેધર, જેમ્સ અને જ્વેલરી જેવા શ્રમ ઈન્ટેન્સિવ આધારિત સામાનપર વધુ અસર થશે. આ પહેલાં ટ્રમ્પે વેપાર સોદાઓમાં અવરોધોના પગલે ભારત પર ૭ ઓગસ્ટથી 25 ટકા ટેરિફ લાગુ કર્યા હતા. વધારાના 25 ટકા ટેરિફ સાથે બુધવારથી ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થઈ જશે.
અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે એક ડ્રાફ્ટ નોટિસ જાહેર કરીને ભારત પર બુધવારથી લાગુ થનારા ટેરિફની રૂપરેખા રજૂ કરી છે. રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતીના પ્રયત્નો ઠપ્પ પડતા જોવા મરી રહ્યા છે તેવા સમયે ટ્રમ્પે ભારત પર વધારાના ટેરિફનો અમલ કર્યો છે. નોટિસમાં જણાવાયું છે કે આ વધારાના ટેરિફનો અમલ ભારતના એવા ઉત્પાદનો પર લાગુ થશે, જે ભારતીય સમય મુજબ બુધવારે સવારે 9:31કલાક પછી વપરાશ માટે આયાત કરાશે અથવા ગોદામમાંથી બહાર કાઢાશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન પર દબાણ બનાવવા માટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. અમેરિકા રશિયાના ક્રૂડ ઓઈલના વેપારને રોકીને પુતિન પર યુદ્ધ બંધ કરવા દબાણ લાવવા માગે છે, પરંતુ ભારતે ટ્રમ્પના તથાકથિત સેકન્ડરી ટેરિફને અન્યાયપૂર્ણ ગણાવ્યા છે અને પોતાન હિતોનું મજબૂતીથી રક્ષણ કરવાની જાહેરાત કરી છે.
ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતો સાથે કોઈ સમજૂતી નહીં કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમેરિકાએ ટેરિફ મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે. પરંતુ મોદી માટે ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓના હિત સૌથી ઊપર છે. અમારા પર દબાણ વધી શકે છે, પરંતુ અમે દરેક મુશ્કેલીનો સામનો કરીશું. ભારત સિવાય બ્રાઝિલ પર પણ અમેરિકાએ 50 ટકા જેટલો જંગી ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતના ટેક્સટાઈલ, વસ્ત્રો, જેમ્સ અને જ્વેલરી, શ્રીમ્પ, લેધર અને ફૂટવેર, પશુ ઉત્પાદનો, રસાયણો અને ઈલેક્ટ્રિકલ તથા મિકેનિકલ મશીનરી પર ગંભીર અસર પડશે. જોકે, ફાર્મા, એનર્જી ઉત્પાદનો અને ઈલેક્ટ્રોનિક ગૂડ્સ જેવા સેક્ટર્સને ટેરિફમાંથી બાકાત રખાયા છે. વાણિજ્ય મંત્રાલય મુજબ ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં ભારતની 48.2 અબજ ડોલરની નિકાસ પર અસર થઈ શકે છે. જોકે, ભારતીય વસ્તુઓની નિકાસ પર નજર રાખતી સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (જીટીઆરઆઈ)ના અહેવાલ મુજબ ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતની 50 થી 70 ટકા નિકાસ પર અસર પડશે, મૂલ્યની દૃષ્ટિએ ભારતની 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં મૂકાઈ શકે છે.
ભારત પર ટ્રમ્પના 50 ટકા ટેરિફના અમલના પગલે તેના સ્પર્ધકોને અમેરિકન બજારમાં નીચી ડયુટીનો લાભ મળશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સ્પર્ધકો મ્યાંમાર પર 40 ટકા, થાઈલેન્ડ અને કંબોડિયા પર 36 ટકા, બાંગ્લાદેશ પર 35 ટકા, ઈન્ડોનેશિયા પર 32 ટકા, ચીન અને શ્રીલંકા પર 30 ટકા, મલેશિયા પર 25 ટકા, ફિલિપાઈન્સ અને વિયેતનામ પર 20 ટકા ટેરિફ નાંખેલા છે. અમેરિકા વર્ષ 2021-22થી ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. વર્ષ 2024-25માં ભારત અને અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર 131.8 અબજ યુએસ ડોલર હતો, જેમાં ભારતે 86.5 અબજ ડોલરના સામાનની નિકાસ અને 43.3 અબજ ડોલરના સામાનની આયાત કરી હતી. અમેરિકાના આંકડા મુજબ 2024માં અમેરિકામાં ભારતની નિકાસ 91.2 અબજ ડોલર હતી.

