નકલી દવા સિંડિકેટનો પર્દાફાશ થયા પછી અનેક તથ્યો સામે આવ્યા છે. લાંચના એક કરોડ રૂપિયાની સાથે એસટીએફ દ્વારા ધરપકડ કરાયેલા દવાના વેપારી હિમાંશુ અગ્રવાલની પૂછપરછમાં સામે આવ્યું છે કે નકલી દવાની સિંડિકેટ ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલી છે.
દક્ષિણના એક મોટા દવા માફિયાની સાથે મળી આગ્રાના દવા માફિયા નકલી દવા તૈયાર કરી નેપાળ, બાંગ્લાદેશ સહિત ૧૨ દેશોમાં સપ્લાય કરી રહ્યાં હતાં.
શુક્રવાર રાતે લખનઉની કંપનીના નામે ૧૦ લાખના બિલ પર પુડુચેરીની કંપનીનું ૮૭ લાખ રૂપિયાની નકલી દવાઓ મોકલવામાં આવી હતી. સ્પેશિયલ ટાસ્ફ ફોર્સ (એસટીએફ) અને દવા વિભાગની ટીમે ૩.૩૭ કરોડ રૂપિયાની નકલી દવા જપ્ત કરી છે.
લખનઉ સ્થિત એસટીએફ હેડ કવાર્ટસને આગ્રા હોલસેલ દવા બજારમાં મલ્ટીનેશનલ કંપનીઓ સહિત ૬ કંપનીઓના નામે નકલી દવાઓ વેચવાની ફરિયાદ મળી હતી. બે મહિનાથી એસટીએફ અને દવા વિભાગની ટીમ સંપૂર્ણ બિઝનેસ નેટવર્કના તાર શોધવામાં વ્યસ્ત હતી.
ટીમને માહિતી મળી હતી કે ચેન્નાઇથી ટ્રેન દ્વારા આવેલ નકલી દવાઓનો જથ્થો રીક્ષાથી બંસલ મેડિકલ અને હે મા મેડિકલ સ્ટોર મોકલવામાં આવી રહી છે. ટીમે રીક્ષાચાલકની પૂછપરછ કરી હતી.
ત્યારબાદ બંને મેડિકલ સ્ટોર અને તેના ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યા હતાં. શનિવાર સવારે ટીમે હે મા મેડિકોમાંથી મોટા પ્રમાણમાં નકલી દવાઓ પકડી હતી. સંચાલક હિમાંશુ અગ્રવાલે કાર્યવાહી રોકવા માટે એસટીએફને એક કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી હતી.
હિમાંશુ અગ્રવાલ બેગમાં ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટોના બંડલ ભરેલી ત્રણ બેગ લઇને બાઇકથી આવી પહોંચ્યો હતો. ટીમે તે જ સમયે તેની ધરપકડ કરી લીધી હતી. મોડી રાત સુધી મશીનથી નોટોની ગણતરી ચાલુ રહી હતી.
પૂછપરછ પછી હિમાંશુ અગ્રવાલના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં દવાઓ પકડવામાં આવી હતી. આસિસ્ટન્ટ ડ્રગ્સ કમિશનરે જણાવ્યું હતું કે સંચાલક હિમાંશુની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મીનાક્ષી ફાર્મા, પુડુચેરીના ૧૦ લાખ રૂપિયાના બિલની સાથે ચેન્નાઇથી નકલી એલેગ્રા-૧૨૦ એમજી આગ્રા કેન્ટ સ્ટેશન પર મોકલવામાં આવી હતી. પુડુચેરીમાં મોટી સંખ્યામાં દવા બનાવવાની ફેકટરી છે જેમાં નકલી દવા બનાવવામાં આવે છે.
દક્ષિણના દવા માફિયા રાજા સિંહની સાથે મળી નકલી દવાનો ગેરકાયદે ધંધો કરવાની આશંકા છે. આ દવાઓને ચેન્નાઇથી ટ્રેન દ્વારા આગ્રા સપ્લાય કરવામાં આવે છે. સીલ કરવામાં આવેલ હે મા મેડિકો, બંસલ મેડિકલ અને તેના ગોડાઉનોમાં કરોડોની દવા છે અને અનેક દિવસો સુધી કાર્યવાહી ચાલી શકે છે. એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૨૨માં ગુજરાતમાં પકડાયેલા હવાલા નેટવર્કમાં હિમાંશુનું નામ સામે આવ્યું હતું. આવકવેરા વિભાગની ટીમ પણ તપાસ કરી રહી છે.
કમલા નગર રહેવાસી હિમાંશુ અગ્રવાલની કંપની હે મા મેડિકોનું ટર્નઓવર ૪૫૦ કરોડ રૂપિયા છે. મુબારક મહલમાં દુકાન છે અને મોટી કટરામાં અનેક ગોડૌઉન છે. આ ગોડાઉનમાં કરોડો રૂપિયાની દવાઓનો સ્ટોક છે. જ્યારે ૧૫ વર્ષ પહેલા મુબારક મહલમાં નાની દુકાન હતી. ગોગિયા માર્કેટ સ્થિત બંસલ મેડિકલનું ૩૫૦ કરોડનું ટર્નઓવર છે. દુકાન એટલી નાની છે તેમાં કરોડોની દવા આવી શકે તેમ નથી. મુખ્ય માર્ગ પર એક મોટું ગોડાઉન છે.

