ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કારખાનમાંથી કિંમતી વાસણોની ચોરી કરનાર ગેંગને એલસીબી ઝોન-2 ની ટીમે પકડી પાડી રૂ.50 હજારના વાસણો સહિત રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે લક્ષ્મીનગર મેઈન રોડ એડવોકેટના મકાનમાં થયેલ ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો.
બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ પર નાના મવા સર્કલ પાસે રાજ શૃંગાર પાર્ટી પ્લોટની પાછળ રહેતાં હીતેશભાઈ જમનાદાસભાઈ ભેસાણીયા (ઉ.વ.57) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભકિતનગર સ્ટેશન પ્લોટમાં શેરી નં-01 ના કોર્નર પાસે ઓઇલીંગ બ્રાસનું વેચાણ કરે છે.
ગઇ તા.10 ના તેમના વિશ્વાકર્મા બીલ્ડીંગ નામના કારખાને ત્યારે કારખાનાની ઉપર પ્રથમ માળે મકાન આવેલ છે અને આ મકાનની અંદર જુનો સર સમાન રાખેલ છે. કારખાનુ રાત્રીના છ એક વાગ્યે બંધ કરીને ઘરે જતો રહેલ હતો.
બીજા દિવસે સવારના કારખાને આવેલ ત્યાં કારખાનામાં કામ કરતા સુરેશભાઈ પણ કારખાને આવેલ અને હું કારખાનાની ઉપર આવેલ મકાનની અંદર જતા મકાનનો દરવાજો ખુલ્લી હાલતમાં જોવામા આવેલ અને ત્યાં દરવાજા પાસે નખુચા પડેલ હતા.
જેથી મકાનની અંદર જઈ પ્રવેશ કરી જોતા મકાનની અંદર રાખેલ જુનો સરસમાન જેમા પીતળની ડોલ નંગ- 04, ગોરી નંગ- 6, હાંડી નંગ- 01, છીબા નંગ- 3, નાની મોટી મીક્ષ થાળી નંગ-21, દવા છાટવાનો પંપ, ડબ્બો, હાંડા નાના મોટા-2, નાના મોટા તપેલા 4 નંગ સહિત કુલ રૂ.40 હજારનો મુદ્દામાલ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યાં તસ્કરો સામે ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ગંભીરતા દાખવી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ કબ્જે કરવા તેમજ અન્ય મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરવાની આપેલ સુચનાથી એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે આઇ.વે. પ્રોજેક્ટના કેમેરાનો ઉપયોગ કરી તેમજ બનાવ સ્થળ વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેઝ, ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
જે દરમિયાન સ્ટાફને સંયુકત ખાનગીરાહે મળેલ હકિકતના આધારે 150 ફુટ રીંગ રોડ નાનામવા ચોક પાસેથી દિપક બાબુ દાણીધરીયા (ઉ.વ.30, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહે. રૈયાધાર મફતીયાપરા ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાછળ), મનસુખ ઉર્ફે દીકુ હરી પરમાર (ઉ.વ.24, ધંધો ભંગારની ફેરી રહે. લોહાનગર બાપાસીતારામ મઢુલી સામે ગોંડલ રોડ), કિશન ઉર્ફે બાઉ અરજણ ડાભી (ઉ.વ.25, ધંધો ભંગારની ફેરી, રહે. કોઠારીયા સોલવન્ટ કિશાન ગૌશાળા પાસે) અને ચેતન કમલ સોલંકી (ઉ.વ.26, ધંધો બકાલાનો, રહે. કાળવા ચોક મુબારકબાગ મહાસાગર ટ્રાવેલ્સની ઓફીસની સામે જુનાગઢ) ને પકડી પાડી પીતળના, ત્રાંબાના તથા જર્મન એન્ટીક વાસણો સહિત રૂ.1.25 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધાં હતા.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલ ચારેય શખ્સોએ લક્ષ્મીનગર મેઈન રોડ પર રહેતાં એડવોકેટ ગૌતમભાઈ રાજ્યગુરૂના મકાનમાંથી પણ રોકડ અને દાગીના મળી કુલ રૂ.1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. જે મામલે માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે ગુનાની કબૂલાત પણ આરોપીએ આપી હતી. ઉપરાંત ગઈ તા.17 ના ગુંદાવાળીમાં આવેલ બંધ મકાનમાં તાળા તોડી મકાનમાં ચોરી કરવાં ગયેલ પરંતુ તેમાંથી કોઈ વસ્તુ હાથ ન લાગ્યાની કબૂલાત આપી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તસ્કરો દિવસના સમયે રિક્ષામાં સવાર થઈ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ભંગારની ફેરી ના બહાને રેકી કરવાં નીકળતા હતાં. જેમાં બંધ મકાનને ધ્યાનમાં રાખી રાત્રીના સમયે લોખંડના સળિયાથી તાળા તોડી ચોરીને અંજામ આપી નાસી છુટ્તાં હતાં.વાસણ ચોરને પકડવા માટે એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ.ઝાલા, એએસઆઈ જે.વી. ગોહિલ, આર.એમ.મિયાત્રા, હેડ કોસ્ટેબલ રાહુલ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્ર વાઘીયા અને ધર્મરાજસિંહ ગોહિલ સહિતની ટીમે કામગીરી કરી હતી.

