આગામી ગણેશોત્સવ અને નવરાત્રીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની આ કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. શહેરના મુખ્ય માર્ગો પર ખાડાઓનું યોગ્ય સમારકામ કરવાને બદલે તંત્ર દ્વારા ફક્ત મેટલ નાખીને કામ પૂરું કરી દેવાયું છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દેખાવ પૂરતી કામગીરી સામે શહેરીજનોમાં રોષ
શહેરના અનેક માર્ગો આજે પણ બિસ્માર અને ખખડધજ હાલતમાં છે. ખાસ કરીને જ્યારે રવિવારે ‘ફીટ ઇન્ડિયા’ અંતર્ગત રેલી નીકળી, ત્યારે તંત્રની આબરૂના ધજાગરા થયા હતા. આ ઘટના બાદ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, પરંતુ આ કામગીરી ફક્ત દેખાવ પૂરતી જ હતી. ખાડાઓ ભરવા માટે ડામરનો ઉપયોગ કરવાને બદલે ફક્ત મેટલ નાખી દેવામાં આવી છે. જેના કારણે ટુ-વ્હીલર વાહનચાલકો માટે તે ખૂબ જ જોખમી બન્યું છે, અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે.
તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો
શહેરીજનોમાં તંત્રની આ કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર ફક્ત દેખાડો કરવા માટે જ કામ કરી રહ્યું છે? તહેવારો નજીક હોવા છતાં રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? તંત્રના આ અણઘડ વહીવટને કારણે શહેરીજનોએ તકલીફ વેઠવી પડી રહી છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

