રૈયાધારના ઈન્દિરાનગર મફતિયાપરામાં રહેતાં અને વેલ્ડીંગ કામ કરતાં દિનેશભાઈ મકવાણા (ઉ.વ.51)ને સાઈડ કાપવા બાબતે બાઈક પર જતાં માતા-પુત્ર સાથે માથાકૂટ થયા બાદ મામલો યુની. પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
જયાં પીએસઆઈ એન.કે.પંડયા અને એક પોલીસમેને મળી દિનેશભાઈને લાકડી વતી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ફરિયાદના આધારે સાઈડ કાપવા બાબતે જેની સાથે માથાકૂટ થઈ તેવા ઋષિ ધર્મેન્દ્રભાઈ, તેના માતા, પીએસઆઈ પંડયા અને અજાણ્યા પોલીસમેન સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
બનાવની ફરિયાદમાં દિનેશભાઈએ જણાવ્યું છે કે ગઈ તા. 15 મેના રોજ સાંજે લાખના બંગલા પાસે આવેલી ફેબ્રિકેશનની દુકાનેથી બાઈક લઈ ઘરે જતા હતા ત્યારે રાણીમાં-રૂડીમાં ચોક નજીક બાઈક પર નિકળેલો ઋષિ સતત હોર્ન વગાડતો હોવાથી ટપારતાં તેની સાથે ગેરવર્તન કર્યું હતું. એટલું જ નહીં ઋષિ અને તેની સાથે રહેલી મહિલાએ તેને ગાળો ભાંડી, બેફામ રીતે ગડદાપાટુનો માર માર્યો હતો.
ઋષિના બાઈકમાં પોલીસ લખેલું હતું. જેથી બાઈકનો ફોટો પાડવા જતાં મોબાઈલ આંચકી લીધો હતો. બાદ ત્યાં એકત્રિત લોકોએ મોબાઈલ પરત અપાવ્યો હતો. ત્યાર પછી ઘરે જઈ પત્ની સાથે યુની. પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા. જયાં પીએસઆઈ પંડયા, સિવીલ ડ્રેસમાં રહેલા બે પોલીસમેન, તેને મારકૂટ કરનાર ઋષિ અને તેની સાથે રહેલી મહિલા રાત્રે તેના ઘરે ગયા હતા.
જયાં તેના પરિવારના સભ્યોને ગાળો ભાંડી, તોડફોડ કરી હતી. એટલું જ નહીં તેની જ્ઞાતિ પ્રત્યે પણ અપશબ્દો બોલ્યા બાદ આ તમામ પોલીસ મથકે આવ્યા હતા. ત્યાં પણ તેની સાથે બેફામ વર્તન કર્યું હતું. સાથો-સાથ પીએસઆઈ પંડયા અને સિવીલ ડ્રેસમાં રહેલો પોલીસમેન તેને પોલીસ સ્ટેશનના ઉપરના રૂમમાં લઈ ગયા હતા. જયાં તેને પ્લાસ્ટીકના પાઈપથી બેફામ માર માર્યો હતો.
આ પછી લોકઅપમાં ધકેલી દીધો હતો. બાદ બીજા દિવસે મામલતદાર પાસે જામીન લેવડાવ્યા હતા. તે વખતે મામલતદારને પણ હકિકતો જણાવી હતી. જામીન પર છુટ્યા બાદ 108માં સિવીલમાં દાખલ થયા હતા. જયાં ચાર દિવસ સુધી સારવાર લીધી હતી. બાદમાં આ અંગે પોલીસ મથક અને પોલીસ કમિશ્નરને અરજી આપી હતી. જેના આધારે ગુનો દાખલ થયો હતો.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી ઋષિના પિતા એસઆરપીમાં નોકરી કરતા હોવાની માહિતી મળી છે. આરોપી ઋષિ સાથે રહેલી મહિલા તેની માતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ મામલો માનવ અધિકાર પંચ સુધી પણ પહોંચ્યો હતો. જેની સુચનાથી પોલીસે ગુનો દાખલ કર્યાનું જાણવા મળી રહ્યું છે.

