સ્ટીલ રી-રોલિંગ ઉદ્યોગને મંદીનો કાટ…

Latest News આરોગ્ય ગુજરાત દેશ
રાજ્યમાં કચ્છ બાદ સ્ટીલનું સૌથી વધુ ઉત્પાદન કરતા ભાવનગર જિલ્લાના રી-રોલિંગ મિલ ઉદ્યોગને પણ મંદીનો કાટ લાગ્યો છે. સિહોર, ઘાંઘળી, મામસા, વરતેજ અને ચિત્રા જીઆઈડીસીમાં આવેલી ૮૦ પૈકીની ૨૦ રી-રોલિંગ મિલોને અલીગઢી તાળા લાગી ગયા છે. ઈન્ડક્શન ફર્નેસના ૬૫ યુનિટ પણ ખોટના ખાડામાં હોવાથી ડચકા ખાતા ચાલી રહ્યા છે. મંદીના ગ્રહણના કારણે રી-રોલિંગ મિલ અને ઈન્ડક્શન ફર્નેસ ઉદ્યોગમાં અઠવાડિયામાં બે દિવસ રજા રાખવી પડી રહી છે.

ચોમાસામાં સરકારી પ્રોજેક્ટના રોડ-રસ્તા, પુલ નિર્માણના કામો બંધ રહે છે. બાંધકામનો વ્યવસાય પણ મંદ પડી જતો હોવાથી લોખંડના સળિયા, એંગલ, ચેનલ્સ વગેરેની ડિમાન્ડ નહીવત જેવી થઈ જાય છે. જેના કારણે દર વર્ષે પ્રતિ ટને બે-ત્રણ હજાર રૂપિયા ભાવ ગગડે છે. પરંતુ આ વર્ષે સ્થિતિ વધુ ભયંકર હોય, પ્રતિ ટને પાંચ હજાર સુધી માર્કેટ ડાઉન થઈ જતાં રી-રોલિંગ મિલના ઉદ્યોગકારોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડતો હોય, મૂંઝવણમાં મુકાયા છે.

અલંગમાં શિપની આવક ઘટી ગઈ છે. આયાતી સ્ક્રેપ ઉંચા ભાવે ખરીદવો પડે છે. તેમાં પણ ગાંધીધામ ઉતરતો કાચો માલ મિલ સુધી પહોંચે ત્યાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો બોજો માથે પડે છે. ગુજરાતમાં મહારાષ્ટ્રના જાલના અને છત્તીસગઢના રાયપુરથી વધુ માલ મંગાવવામાં આવતો હોવાના કારણે સ્થાનિક ઉદ્યોગને ફટકો પડે છે. સ્ટીલ ઉદ્યોગમાં મંદીના કારણે પાંચ હજાર લોકોને પરોક્ષ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન અને સંલગ્ન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી ઉપર પણ અવળી અસર પડી રહી છે. મંદીના કારણે પાછલા ત્રણ વર્ષમાં ૨૦ રી-રોલિંગ મિલ બંધ થઈ છે, તેની સામે એક પણ નવી મિલ શરૂ થઈ નથી. ત્યારે સરકારે રી-રોલિંગ અને ઈન્ડક્શન ફર્નેસ ઉદ્યોગને મંદીમાંથી ઉગારવા માટે અસરકારક પગલા ભરવા જોઈએ તેવું મિલ માલિકો ઈચ્છી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં ઉત્પાદન થતાં સ્ટીલની વેસ્ટ ઈન્ડીઝ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ સહિતના દેશોમાં નિકાસ થતી હતી. પરંતુ વર્ષ ૨૦૨૨થી ચાઈના, વિયેતનામ, તુર્કીયેમાંથી સસ્તા ભાવે સ્ટીલની ખરીદી થતી હોવાના કારણે પાછલા ત્રણ વર્ષમાં ભાવનગર જિલ્લામાંથી એક્સપોર્ટ ઝીરો થઈ ગયું છે. જેના કારણે રિસાયકલીંગ ઈન્ડસ્ટ્રીઝની કમર ભાંગી હોવાનો મત સિહોર સ્ટીલ રી-રોલિંગ મિલ એસો.ના પ્રમુખ હરેશભાઈ ધાનાણીએ વ્યક્ત કર્યો છે.

કેન્દ્ર સરકારે વ્હિકલ સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે. ગુજરાતમાં કચ્છ ભુજ અને અમદાવાદની સાથે ભાવનગરમાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ બનાવાશે. તે અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું છે. પરંતુ વ્હિકલ સ્ક્રેપ યાર્ડનો પ્રોજેક્ટ હજુ સુધી જમીની હકીકત સુધી પહોંચ્યો નથી. સિહોરથી ઘાંઘળી વચ્ચે મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીન છે. જો તે જમીન પર વ્હિકલ સ્ક્રેપ યાર્ડ બને તો રી-રોલિંગ મિલો અને ઈન્ડક્શન ફર્નેસ યુનિટ્સને સ્ક્રેપ નજીવા ખર્ચે મળે. જેથી માર્કેટમાં સસ્તા ભાવે, સારી ક્વોલિટીનો માલ ઉપલબ્ધ કરી શકાય. જેથી ભાવનગરમાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ બને તો રી-રોલિંગ મિલો અને ઈન્ડક્શન ફર્નેસ યુનિટ્સોમાં ફરી પ્રાણ ફૂંકાઈ તેમ છે.

– દરરોજ સરેરાશ આઠ હજાર ટન, મહિને બેથી ત્રણ લાખ ટનનું ઉત્પાદન, વાર્ષિક અંદાજે ૩૦ લાખ ટનનું ઉત્પાદન (પટ્ટી, પાટા, ચેનલ, ઈંગોટ, બિલેટ, ટીએમટી બાર)

– પ્રતિ રોલિંગ મિલનું સરેરાશ વાર્ષિક ૪૦થી ૫૦ હજાર ટનનું પ્રોડક્શન

– ૫૫થી ૫૬ હજાર રૂપિયા પ્રતિ ટનનો બે માસ અગાઉ ભાવ

– ૫૦થી ૫૧ હજાર રૂપિયા પ્રતિ ટને છેલ્લો બંધ ભાવ

– વર્ષ ૨૦૨૨માં પ્રતિ ટને ૬૫થી ૭૫ હજાર ભાવ હતો

– વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ દરમિયાન સરેરાશ અંદાજીત ભાવ પ્રતિ ટને ૫૦થી ૫૬ હજાર રૂપિયા ભાવ રહ્યાં

– ત્રણ વર્ષથી વિદેશોમાં નિકાસ બંધ

– ચોમાસામાં પુલ અને સડક નિર્માણના સરકારી પ્રોજેક્ટમાં લાગેલી બ્રેક

– ઘરેલું કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં તૈયાર માલની માંગમાં ઘટાડો

– અલંગમાં જહાજો ઓછા લાંગરતા હોવાના કારણે લોખંડના સ્ક્રેપની ડિમાન્ડ સામે સપ્લાય ઓછી

– પંજાબ અને છત્તીસગઢ રાજ્ય સાથે સીધી હરીફાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *