હોલિવૂડની ફિલ્મ ટર્મિનેટર આવી હતી. તેમા હીરો મસલમેન હીરો આર્નોલ્ડ શ્વાર્ઝનેગર ટ્રકના ડ્રાઇવરને કહે છે કે હવે ટ્રક હું ચલાવીશ. બસ આવા જ દ્રશ્યનું સર્જન મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્ટેશનમાં થયું હતું. તેમા સ્ટેશન પર ઊભેલી ટ્રેનના એન્જિનમાં કોઈ સુનકી ઘૂસી ગયો હતો અને જાહેરાત કરી દીધી હતી કે હવે આ ટ્રેન તારો ભાઈ ચલાવશે.
મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલ્વે સ્ટેશન પર બનેલી ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને કર્મચારીઓને હેરાનપરેશન કરી નાખ્યા. આ આખા ઘટનાક્રમમાં ટ્રેનના એન્જિનમાં એક સનકી ઘૂસીને ટ્રેનના ડ્રાઇવરની સીટ પર બેસી ગયો હતો. તેણે જાહેરાત કરી દીધી હતી કે હવે ટ્રેન હું ચલાવીશ. આના લીધે મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.
ગ્વાલિયરથી સુરૈનાના સુમાબલી-સબલગઢ જનારી મેમુ ટ્રેન પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી ઉપડવાની તૈયારીમાં હતી. તે સમયે અચાનક એક વ્યક્તિ એન્જિનની કેબિનમાં ઘૂસી ગઈ અને લોકો પાયલોટની સીટ પર બેસી ગઈ. તેણે ફક્ત સીટ પર કબ્જો કર્યો એટલું જ નહીં ટ્રેન ડ્રાઇવરને જણાવ્યું કે હવે ટ્રેન હું ચલાવીશ.
મુસાફરોને જેવા સમાચાર મળ્યા કે ટ્રેનના એન્જિનમાં કોઈ સનકી બેઠો છે તો હજારો લોકોમાં ડર ફેલાઈ ગયો. કેટલાય લોકો ગભરાઈને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા.લોકો પાયલોટે તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી. રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ અને આરપીએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી. લગભગ દસ મિનિટ સમજાવ્યા પછી તેને ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યો. આરપીએફે યુવકની ધરપકડ કરી અને તેની માનસિક સ્થિતિની તપાસ કરવામાં આવી છે.

