ભારત પર વધુ ટેરિફ લાદ્યા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નિંદા થઈ રહી છે. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પ કારણ વગર ભારતને નારાજ કરી રહ્યાં છે.’ આ ઉપરાંત તેમણે કટાક્ષ કર્યો હતો કે, ભારતે ટ્રમ્પને ફરીથી નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર ટેરિફ લગાવ્યો હતો. અગાઉ તેણે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં ફરીથી 25 ટકાનો વધારો કર્યો હતો. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય હિત માટે જે પણ જરૂરી હશે તેવા પગલાં લેવામાં આવશે. આ દરમિયાન એક મીડિયા ઈન્ટરવ્યૂમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે, ‘જ્યારે તમે આટલી મોટી ભૂલ કરો છો, જેમ કે વ્હાઇટ હાઉસે છેલ્લા 30 દિવસમાં ભારતને નિશાન બનાવીને કરી છે, ત્યારે વિશ્વાસ પાછો મેળવવામાં સમય લાગે છે.’
પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા જોન બોલ્ટને કહ્યું કે, ‘પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર ટ્રમ્પ સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો રસ્તો શોધી રહ્યા છે. મારું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક જ સૂચન છે કે તે ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકે છે.’ નોંધનીય છે કે, પાકિસ્તાને જાહેરાત કરી હતી કે તે ટ્રમ્પને આ પુરસ્કાર માટે ઔપચારિક રીતે નોમિનેટ કરશે.
અમેરિકા દ્વારા ચીન પર લાદવામાં આવેલા ઓછા ટેરિફ અંગે જોન બોલ્ટને કહ્યું, ‘યુક્રેનમાં યુદ્ધવિરામ લાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોથી ભારત સરકાર પ્રભાવિત થઈ છે.’ ખાસ વાત એ છે કે ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર નિશાન સાધ્યું છે અને ટેરિફ ફટકાર્યો છે. જ્યારે અમેરિકા અને યુરોપિયન યુનિયન બંને રશિયા પાસેથી ઘણી વસ્તુઓના ખરીદદાર છે. આ ઉપરાંત ચીન પણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે, પરંતુ તેના પર ભારત જેટલો ટેરિફ લાદવામાં આવ્યો નથી.

