પાકિસ્તાનમાં રહેતા લાખો અફઘાનિસ્તાની નાગરિકોને કાઢી મુકવામાં આવશે, જેની કવાયત 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. પાકિસ્તાન એવા અફઘાનિસ્તાની નાગરિકોને પરત મોકલી રહ્યું છે કે જેમની પાસે પ્રૂફ ઓફ રજિસ્ટ્રેશન કાર્ડ છે અને શરણાર્થી તરીકે પાકિસ્તાનમાં વર્ષોથી રહેતા આવ્યા છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન આશરે 13 લાખથી વધુ અફઘાનિસ્તાનીઓને કાઢી મુકશે. ઉલ્લેખનીય છે કે જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પણ સત્તામાં આવ્યા હતા ત્યારે તેમણે પણ આ રીતે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે તવાઈ બોલાવી હતી. ત્યારે અનેક દેશોના લોકોને પકડીને અમેરિકાથી તગેડી મૂકવામાં આવ્યા હતા.
પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ 1 સપ્ટેમ્બરના રોજ આ અફઘાનિસ્તાની નાગરિકોને કાઢી મુકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે લોકોએ સ્વેચ્છાએ પાકિસ્તાન નથી છોડયું તેમની ધરપકડ કરવામાં આવશે. હાલમાં પાકિસ્તાન સરકારે તમામ પ્રાંતોની સરકારોને તૈયાર રહેવા માટે આદેશ આપ્યો છે. આ પહેલા પાકિસ્તાન સરકારે 31 મી જુલાઇના રોજ જાહેરાત કરી હતી પ્રૂફ ઓફ રજિસ્ટ્રેશન (પીઓઆર) કાર્ડ ધરાવતા અફઘાનિસ્તાની નાગરિકો વિઝા વગર જ પાકિસ્તાનમાં રહે છે, તેમને અપાયેલા પીઓઆર કાર્ડની સમય મર્યાદા 30 જૂનના રોજ પૂર્ણ થઇ ગઇ છે.
પાકિસ્તાનના આંતરીક બાબતોના મંત્રાલય દ્વારા ચાર પ્રાંતોના પોલીસ વડાઓ અને મુખ્ય સચીવોને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરના ગિલગિટ અને બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ થાય છે. આ પત્રમાં ગેરકાયદે રહેનારા અફઘાનિસ્તાની નાગરિકોને કાઢી મુકવાની કવાયત શરૂ કરવા જણાવવામાં આવ્યું છે. એક અનુમાન મુજબ પાકિસ્તાનમાં આશરે 1.3 મિલિયન એટલે કે આશરે 13 લાખ અફઘાનિસ્તાનીઓ રહે છે. જેમાંથી અડધા ખૈબર પ્રાંતમાં રહે છે. અન્ય અફઘાનિસ્તાનીઓ બલુચિસ્તાન, સિંધ, ઇસ્લામાબાદ, પંજાબ વગેરે વિસ્તારોમાં રહે છે. તાજેતરમાં પાકિસ્તાની સરહદે તાલિબાન પાકિસ્તાન નામના આતંકી સંગઠન દ્વારા હુમલા વધારી દેવાયા છે. બન્ને દેશોની સરકારો વચ્ચે પણ વિવાદો ચાલી રહ્યા છે. એવા સમયે અફઘાનિસ્તાનીઓને કાઢી મુકવાનો પાકિસ્તાને નિર્ણય લીધો છે.

