વડોદરામાં પાર્કિંગના મુદ્દે હવે લોહીયાળ પ્રત્યાઘાત પડી રહ્યા છે અને મારામારીના બનાવો રોજના બની રહ્યા છે.ગઇકાલે ભાયલીમાં પાર્કિંગના મુદ્દે હત્યાનો બનાવ બન્યો તે પહેલાં બે વર્ષના ગાળામાં પણ પાર્કિંગના મુદ્દે હત્યાના બે બનાવ બન્યા હતા. જ્યારે,મારામારીના બનાવો રોજના બની ગયા છે.
શહેરમાં ટ્રાફિકની સાથે સાથે હવે સોસાયટીઓ,પોળો અને બજારોમાં આડેધડ પાર્ક થતા વાહનોનો મુદ્દો લોહીયાળ બની રહ્યો છે.અગાઉ હત્યાના બનાવો પરથી તંત્રએ કોઇ બોધ લીધો હોત તો કદાચ પાર્કિંગના નામે થતા હુમલાના બનાવો પર બ્રેક વાગી શકી હોત. પાર્કિંગના મુદ્દે રોજ કોઇને કોઇ જગ્યાએ ઝઘડાના અને મારામારીના બનાવો બની રહ્યા છે.જે દરમિયાન હત્યાના પણ થઇ રહી છે.ગઇકાલે ભાયલી રોડ પર પ્રિયા ટોકિઝ પાસે ધ અરોઝ ઇન્ફ્રા ખાતે પાર્કિંગ બાબતે અક્ષય કુરપાણેની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
આ પહેલાં તા.૨૫-૭-૨૦૨૩ના રોજ હરિભક્તિ કોલોની નજીક મિર્ચ મસાલાની ગલીમાં ભાજપના કાર્યકર સચીન ઠક્કરની પાર્કિંગના ઝઘડામાં ઘાતકી હત્યાના બનાવમાં બાબુલ પરીખનો પુત્ર પાર્થ,વાસિક અજમેરી અને વિકાસ લોહાણા પકડાયા હતા.જ્યારે, તા.૩૦-૫-૨૦૨૪ના રોજ સરદારભવનના ખાંચામાં માતાનું ૧૩મું કરવા આવેલા રમેશ ભાઇ રાઠોડ(૬૦)ની પાર્કિંગના મુદ્દે શાહ જનરલ સ્ટોરના સંચાલક કિરિટ શાહ,મનિષ શાહ અને યશ મનિષ શાહની ધરપકડ થઇ હતી.
સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગના મુદ્દે દરજીકામ કરતા રમેશભાઇની હત્યાના બનાવ બાદ પોલીસે સરદાર ભવન થઇને કારેલીબાગ જતા વાહનો માટે સરદાર ભવનની એન્ટ્રી બંધ કરીને વનવે કરવામાં આવ્યો હતો.જો કે આ મુદ્દે પોલીસ સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી હતી અને હાલમાં આ ખાંચામાંથી વાહનોની અવરજવર ચાલુ છે.
કેટલાક એપાર્ટમેન્ટમાં વિઝિટર્સ માટે પાર્કિંગનો પ્રતિબંધ હોવાથી બીજે પાર્ક કરે છે અને ઝઘડા થાય છે સાંકડા બજારો અને એપાર્ટમેન્ટોમાં ઓછી જગ્યા તેમજ વાહનોની સંખ્યા વધુ હોવાને કારણે પાર્કિંગના મુદ્દે ઝઘડા થતા હોય છે. બજારોમાં માંડ છ મીટરનો રસ્તો હોય છે અને તેમાં વાહનો લઇને આવી જતા ગ્રાહકો ને કારણે વેપારીઓ વિરોધ કરતા હોય છે અને તેને કારણે ઝઘડા તેમજ મારામારીના બનાવ બનતા હોય છે.
આવી જ રીતે રહેણાંક એપાર્ટમેન્ટોમાં પણ પાર્કિંગની જગ્યા ઓછી હોય છે.જ્યાં પાર્કિંગની જગ્યા ફાળવેલી હોય છે ત્યાં પાર્કિંગ કરાતું નથી અને કેટલીક જગ્યાએ વિઝિટર્સ માટે પાર્કિંગનો પ્રતિબંધ હોવાથી આસપાસના મકાનો પાસે પાર્ક કરવામાં આવે છે અને તેને કારણે ઝઘડા થાય છે.આવા એપાર્ટમેન્ટોના સંચાલકો સામે પગલાં લેવાય તો સમસ્યા હળવી બને તેમ છે.

