સેન્ટ્રલ જીએસટી ફિલ્ડ ઓફિસરોએ છેલ્લા પાંચ વર્ષમાં ૯૧,૩૭૦ કેસોમાં ૭.૦૮ લાખ કરોડ રૂપિયાની કરચોરી પકડી છે. તેમા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ની ૧.૭૯ લાખ કરોડ રૂપિયાની કરચોરીનો પણ સમાવેશ થાય છે, એમ સરકારે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જ સીજીએસટી ફિલ્ડ ઓફિસરોએ રૂ. ૨.૨૩ લાખ કરોડની કરચોરી પકડી હતી.
લોકસભામાં કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સીજીએસટી કરચોરીના ૩૦,૦૫૬ કેસ પકડવામાં આવ્યા હતા. તેમા ૧૫,૨૮૩થી પણ વધુ કેસ આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) ફ્રોડના હતા. આઇટીસી પેટે કરવામાં આવેલી કરચોરી રુ. ૫૮,૭૭૨ કરોડની હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨.૩૦ લાખ કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ હતી. તેમા આઇટીસી ફ્રોડ રૂ. ૩૬,૩૭૪ કરોડના હતા. ૨૦૨૨-૨૩માં રુ. ૧.૩૨ લાખ કરોડની જીએસટી કરચોરી પકડાઈ હતી. તેમા આઇટીસી ફ્રોડ ૨૪,૧૪૦ કરોડના હતા. આ ઉપરાંત ૨૦૨૧-૨૨માં જીએસટી કરચોરી રૂ. ૭૩,૨૩૮ કરોડની હતી અને તેમાં આઇટીસી ફ્રોડ રૂ. ૨૮,૦૨૨ કરોડ હતો. જ્યારે ૨૦૨૦-૨૧માં કરચોરી રૂ. ૪૯,૩૮૪ કરોડની હતી અને આઇટીસી ફ્રોડ રૂ. ૩૧,૨૩૩ કરોડનો હતો.
સીજીએસટી અધિકારીઓએ પકડેલી રૂ.૭.૦૮ લાખ કરોડની કરચોરીમાં સ્વૈચ્છિક રીતે રુ. ૧.૨૯ લાખ કરોડનો ટેક્સ જમા કરાવાયો હતો. કરચોરીના આંકડામાં ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધીમાં આઇટીસી ચોરીના ૪૪,૯૩૮ કરોડના કેસના રુ. ૧.૭૯ લાખ કરોડનો સમાવેશ થાય છે.
ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને જીએસટીએને કરચોરી ડામવા વિવિધ પ્રકારના પગલાં લીધા છે. તેમા ઇ-ઇનવોઇસિંગ, જીએસટી એનાલિટિક્સ દ્વારા ડિજિટાઇઝેશન, સિસ્ટમ દ્વારા નાણાકીય વ્યવહારોમાં દર્શાવવામાં આવતા અસંતુલન, રિટર્નના સ્ક્રુટિની અને જોખમના વિવિધ માપદંડોના આધારે કરદાતાના ઓડિટનો સમાવેશ થાય છે. આ બધા પગલાંએ જીએસટી ચોરી પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ચોધરીએ જણાવ્યું હતું કે આ બધા પગલાં કરચોરોને પકડવામાં સફળ રહ્યા હતા. તેમણે ચોખ્ખા જીએસટી કલેકશનના આંકડા અંગે જણાવ્યું હતું કે ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં ચોખ્કુ સીજીએસટી કલેકશન સુધારેલા અંદાજના ૯૬.૭ ટકા હતું. નેટ સીજીએસટીમાં સીજીએસટી પ્લસ કમ્પેન્સેશન સેસનો સમાવેશ થાય છે. જ્યારે ૨૦૨૪-૨૫ દરમિયાન વાસ્તવિક કલેકશન ૧૦.૨૬ લાખ કરોડથી વધુ હતુ. જ્યારે સુધારેલા આંકડા મુજબ તે ૧૦.૬૨ લાખ કરોડ હતું. અગાઉના વર્ષે નેટ સીજીએસટી કલેકશન રૂ. ૯.૫૭ લાખ કરોડ હતુ, જે સુધારેલા આંકડા ૯.૫૬ લાખ કરોડના ૧૦૦ ટકા હતું.

