ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ માટે દરેક મેચમાં તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવ્યા છે. ઓવલ ટેસ્ટની બીજી ઈંનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ત્રીજા દિવસે (બીજી ઓગસ્ટ) શાનદાર બેટિંગ કરીને બીજી અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચી દીધો છે.
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી. આ ઈનિંગમાં 53 રન બનાવ્યા બાદ તે આઉટ થયો હતો. તે હવે ટેસ્ટ સીરિઝમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરીને સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણના નામે હતો. 23 વર્ષ પહેલા વીવીએસ લક્ષ્મણે 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરીને 472 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ હવે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં રવિન્દ્ર જાડેજાએ બેટ અને બોલ બંનેથી અદ્ભુત પ્રદર્શન કર્યું છે. પાંચ મેચની 10 ઈનિંગમાં બેટિંગ કરને તેણે 500થી વધુ રન બનાવ્યા છે. જેમાં 4 અડધી સદી અને 1 સદી ફટકારી છે. આ ઉપરાંત બોલિંગમાં તેણે 7 વિકેટ પણ ઝડપી છે. માન્ચેસ્ટર ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયા મેચ ડ્રો કરી.
ઓવલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે (બીજી ઓગસ્ટ) ભારતીય ટીમે બીજી ઈંનિંગમાં 396 રનમાં સમેટાઈ ગઈ હતી. વોશિંગ્ટન સુંદર 53 રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટોંગે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડને આ ટેસ્ટ મેચ જીતવા માટે 374 રન બનાવવા પડશે. ત્રીજા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડે તેની બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવ્યા બાદ 50 રન બનાવી લીધા છે. ત્રીજા દિવસના છેલ્લા બોલ પર મોહમ્મદ સિરાજે ઓપનર જેક ક્રોલીને બોલ્ડ કર્યો હતો, તે 14 રન બનાવીને આઉટ થયો હતો. બેન ડકેટ 34 રન બનાવીને અણનમ છે. ઇંગ્લેન્ડને આ ટેસ્ટ મેચ જીતવા માટે હજુ 324 રન બનાવવા પડશે, જ્યારે તેની પાસે નવ વિકેટ બાકી છે. ભારતીય ટીમે આ સીરિઝ બરાબર કરવા માટે મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડને 324 રન સુધી સમેટવી પડશે. ઈંગ્લેન્ડ આ સીરિઝમાં 2-1થી આગળ છે.

