મુંબઈની વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વિના મુસાફરી કરી રહેલા એક મુસાફરને વધુ કાર્યવાહી માટે રેલવે ઓફિસમાં લઈ જવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેણે સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનામાં એક મુસાફર અને બે રેલ્વે કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ કેસમાં અને ફોજદારી કાયદા હેઠળ રેલ્વે મુસાફર સામે કેસ નોંધવામાં આવશે. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ તેના પર દંડ પણ લાદવામાં આવશે, એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
જ્યારે રેલવે અધિકારી શમશેર ઇબ્રાહિમ બપોરે ૩ વાગ્યાની આસપાસ નિયમિત ટિકિટ તપાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને દાદર અને બોરીવલી સ્ટેશનો વચ્ચે વિરાર ફાસ્ટ ટ્રેનમાં બીજા વર્ગની ટિકિટ સાથે ફર્સ્ટ-ક્લાસ ડબ્બામાં બે મુસાફરો મુસાફરી કરતા જોવા મળ્યા. બીજી તરફ, અંધેરી અને બોરીવલી વચ્ચે એક મુસાફર ટિકિટ વિના હોવાનું જાણવા મળ્યું. આગળની કાર્યવાહી માટે ત્રણેયને બોરીવલી સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યા હતા અને ટીસી ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા.
આ દરમિયાન, ટિકિટ તપાસને લઈને થયેલી દલીલને કારણે એક મુસાફરે ઓફિસમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. જેમાં બે રેલ્વે કર્મચારીઓ અને એક મુસાફર ઘાયલ થયા હતા. રેલવે અધિકારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો અને ઘાયલોને પ્રાથમિક સારવાર માટે મોકલ્યા. ત્યારબાદ રેલવે પોલીસે મુસાફરની અટકાયત કરી. આ ઘટનાથી મુસાફરોના વર્તન અને નિયમિત તપાસ દરમિયાન રેલવે કર્મચારીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ છે.
રેલ્વેના એક અધિકારીના જણાવ્યા અનુસાર, “આરોપી મુસાફર સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેની સામે રેલવે અને ફોજદારી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવશે. નુકસાન પામેલી સરકારી મિલકતની તપાસ કરવામાં આવશે અને દંડની રકમ તેની પાસેથી વસૂલ કરવામાં આવશે.”

