ભારતમાં ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થા બરોબર જળવાય તે માટે નિયમો બનાવવામાં આવ્યા છે. કાયદા પ્રમાણે જો આ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં ન આવે તો, ચલણથી લઈને તમારુ ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત પણ કરવામાં આવી શકે છે. તેથી જો ટ્રાફિક નિયમોને લઈને થોડી પણ બેદરકારી રાખવામાં આવી તો મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. અહીં અમે તમને કેટલાક એવા નિયમો વિશે જણાવી રહ્યા છીએ, જો તેનું પાલન કરવામાં ન આવે તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત થઈ શકે છે.
1 ડ્રાઈવિંગ દરમિયાન ફોન પર વાત ન કરો
મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act)પ્રમાણે વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ડ્રાઈવિંગ દરમિયાન તમે કાર રોકીને નેવિગેશનનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત જો તમે વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા તો, તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. આ સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે.
2. ઝિબ્રા ક્રોસિંગ પર વાહન ઉભુ ન રાખશો
ઝિબ્રા ક્રોસિંગ એ લોકોને ચાલતા રસ્તો પાર કરવા માટે બનાવવામાં આવ્યું છે. કેટલીકવાર ટ્રાફિક સિગ્નલ દરમિયાન લોકો ઝિબ્રા ક્રોસિંગ પર અથવા તેને ક્રોસ કરીને તેમનું વાહન ઉભુ કરી દેતા હોય છે. જ્યારે મોટર વ્હીકલ કાયદાના નિયમો પ્રમાણે ઝિબ્રા ક્રોસિંગ પહેલાં વાહન રોકવું જોઈએ. આ નિયમ તોડવા પર મોટો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, જો ટ્રાફિક પોલીસ ઇચ્છે તો, તેઓ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત કરી શકે છે.
3. સ્કૂલ તેમજ હોસ્પિટલોની આસપાસ વાહન ધીમે ચલાવો
જો તમે કોઈ સ્કૂલ કે હોસ્પિટલની નજીકથી તમારુ વાહન લઈને પસાર થઈ રહ્યા હોવ ત્યારે વાહન ધીમુ ચલાવવું જોઈએ. આ જગ્યાઓ પર વધુ સ્પીડમાં વાહન ચલાવવા પર કાયદાકીય રીતે ગુનો બને છે. કેટલીક જગ્યાએ સ્પીડ લિમિટના બોર્ડ પણ લગાવવામાં આવ્યા હોય છે. જો તમે આ નિયમ તોડશો તો તમને દંડ થઈ શકે છે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત થઈ શકે છે.
4. ગાડીમાં મોટેથી મ્યૂઝિક ન વગાડો
મોટર વ્હીકલ એક્ટ મુજબ ક્યારેય પણ વાહન ચલાવતી વખતે બારીઓ ખુલ્લી રાખીને મોટેથી મ્યૂઝિક/ ગીતો વગાડવા જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો તમને દંડ ઉપરાંત તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત થઈ શકે છે.
5. ડ્રાઈવિંગ દરમિયાન ફોન કૉલ કરવાનું ટાળવું
હાલના મોટાભાગના તમામ વાહનોમાં બ્લૂટૂથ, કૉલિંગ સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધાનો લાભ લઈને લોકો બ્લૂટૂથ પર કોલ કરે છે, પરંતુ આમ કરવું ટ્રાફિક નિયમોની વિરુદ્ધ છે. આ ભૂલ માટે તમારુ ચલણ બની શકે છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે.

