રાજકોટમાં આઈપીઓમાં ઉંચા વળતરની લાલચ આપી રોહિત રોરીયાએ 49 જેટલા રોકાણકારોના રૂ. 4.46 કરોડ ઓળવી લીધાની ગઈકાલે ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આજે એક દંપતીએ પણ આઈપીઓમાં ઉંચા વળતરની લાલચ આપી 2 રોકાણકારો સાથે એકંદરે રૂ. 37 લાખની છેતરપીંડી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બીગબજાર સામે કરણ પાર્ક શેરી નં.2માં રહેતા અને માર્કેટીંગનું કામ કરતાં ચંદ્રેશભાઈ પંડયા (ઉ.વ. 49)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના મિત્ર પ્રિત પ્રવીણભાઈ ઠાકર મારફત તેના બનેવી નિકુંજ વિનોદરાય ત્રિવેદી (રહે. મૂળ અમરેલી, હાલ વિનાયક વાટીકા જામનગર રોડ) સાથે સંપર્કમાં આવ્યા હતા. જેણે તેને અયોધ્યા ચોક પાસે ટાઈમ્સ સ્કવેર-2 બિલ્ડીંગમાં આવેલી ઓફિસમાં બોલાવતાં ત્યાં ગયા હતા. જયાં નિકુંજ અને તેની પત્ની મિતલબેન હાજર હતા. નિકુંજે કહ્યું કે મારી પત્નીના નામે મારવાડી ફાઈનાન્સીયલ સર્વિસીઝની ફ્રેન્ચાઈઝી છે. મારી કંપનીમાં રોકાણ કરશો તો સારૂ વળતર મળશે. હું તમને વધારે પૈસા કમાવીને આપીશ.
તે સાથે અલગ-અલગ આઈપીઓની સ્કીમ સમજાવી હતી. સાથોસાથ રોકાણ કરેલી રકમ અને વળતરની રકમ દસ દિવસમાં મળી જશે તેવી ખાત્રી આપતાં કટકે-કટકે તેને નેટ બેન્કિંગ, આરટીજીએસ વગેરે મારફત રૂ. 25.99 લાખ આપ્યા હતા. જેમાંથી તેને રૂ. 89,000 પાછા આપ્યા હતા. બાકીના રૂ. 25.10 લાખ અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં આપતા ન હોવાથી બંને વિરૂધ્ધ અરજી કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.
બીજી ફરિયાદ બલવીરસિંહ ખેર (ઉ.વ. 67, રહે. પંચવટી પાર્ક)એ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે પોતે હાલ નિવૃત જીવન વ્યતિત કરે છે. મિત્ર ચંદ્રેશભાઈ પંડયા (પહેલી ફરિયાદમાં ભોગ બનનાર) મારફત નિકુંજના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં ઓફિસે પણ ગયા હતા. જયાં નિકુંજ અને તેની પત્ની મિતલબેને આઈપીઓમાં ઉંચા વળતરની લાલચ આપતાં કટકે-કટકે રૂ. 12.60 લાખ આપ્યા હતા. જેમાંથી રૂ. 49,000 પરત આપ્યા હતા. બાકીના રૂ. 12.11 લાખ આજ સુધી નહીં આપતા બંને ઉપરાંત પ્રિત પ્રવીણભાઈ ઠાકર (પહેલી ફરિયાદમાં ભોગ બનનારનો આરોપી દંપતી સાથે સંપર્ક કરાવનાર) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

