ઇન્દિરા ગાંધીએ સૈન્યને છૂટ આપી એટલે 1 લાખ પાક. સૈનિક સરેન્ડર થયેલા..

Latest News Uncategorized કાયદો રાજકારણ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૫ વખત દાવો કરી ચુક્યા છે કે તેમના કહેવાથી ભારત-પાક. યુદ્ધ અટક્યું, આ મુદ્દે હવે રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદીમાં ઇંદિરા ગાંધી જેટલી નહીં પણ તેનાથી માત્ર ૫૦ ટકા જેટલી પણ હિમ્મત હોય તો કહી દે કે ડોનાલ્ડ ટ્રમ્પ જુઠ બોલી રહ્યા છે. સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આ પડકાર ફેંક્યો હતો અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારે પાયલટોના હાથ બાંધીને તેમને પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા મોકલ્યા હતા, સરકાર પાસે રાજકીય ઇચ્છાશક્તિ જ નથી. ૧૯૭૧ના પાક. સાથેના યુદ્ધને યાદ કરતા રાહુલે કહ્યું હતું કે તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશના સૈન્યને ખુલ્લી છૂટ આપી રાખી હતી, જેને કારણે જ પાકિસ્તાનના એક લાખથી વધુ સૈનિકોએ સરેન્ડર કરવું પડયું હતું અને પાકિસ્તાનના બે ટુકડા થઇ ગયા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૯ વખત કહ્યું છે કે તેમના કહેવાથી જ ભારત-પાક. યુદ્ધ અટકાવી દેવાયું છે. જો ટ્રમ્પના આ દાવામાં કોઇ જ હકીકત ના હોય તો મોદીએ જાહેરમાં કહેવું જોઇએ કે ટ્રમ્પ તમે જુઠ બોલી રહ્યા છો. જો મોદીમાં ઇંદિરા ગાંધી જેટલી હિમ્મત હોય તો સંસદમાં બોલે કે ટ્રમ્પ જૂઠા છે.

ચીન અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા ભારત માટે ખતરનાક સાબિત થઇ શકે છે તેવા દાવા સાથે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એવુ વિચારતી રહી કે આ લડાઇ માત્ર પાકિસ્તાન સાથે છે, જ્યારે હકીકતમાં તો આ લડાઇ પાક.ની સાથે ચીનની સામે પણ છે. ચીન પાક.ને ગુપ્ત માહિતી આપે છે, મારી વાત સાંભળી હોત તો આપણા વિમાન તુટી ના પડયા હોત,  આ બહુ જ ખતરનાક સમય છે અને આવા સમયે એવા વડાપ્રધાનને ના ચલાવી લેવાય કે જે સૈન્યનો ઉપયોગ કરવાનું ના જાણે, આપણે એવા વડાપ્રધાનને ના ચલાવી લઇએ કે જે એમ કહેવાની હિમ્મત ના રાખે કે ટ્રમ્પ જૂઠ બોલી રહ્યા છે. સરકાર કહે છે કે દરેક આતંકી હુમલો એક્ટ ઓફ વોર ગણાશે, શું આતંકીઓ નક્કી કરશે કે ભારતે હવે યુદ્ધમાં જવું જોઇએ કે નહીં?

જ્યારે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં થયેલા પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે સરકારે ૨૬ લોકોને ભગવાન ભરોસે છોડી દીધા હતા, દેશના નાગરિકોની સુરક્ષાની જવાબદારી કોની છે? વડાપ્રધાન, ગૃહમંત્રી, સંરક્ષણમંત્રીની નથી? જ્યારે પણ પાકિસ્તાન તરફથી કાશ્મીર પર હુમલો થયો છે ત્યારે આપણા દેશના જવાનોએ અખંડતાની સુરક્ષા કરી છે. પણ સરકાર શું કરી રહી છે? મણિપુરમાં હિંસા થઇ, દિલ્હી હિંસા થઇ, પહલગામ હુમલો થયો છતા ગૃહમંત્રી પાસેથી રાજીનામુ કેમ લેવામાં ના આવ્યું? પહલગામમાં હુમલો થયો ત્યારે સુરક્ષાની કોઇ જ વ્યવસ્થા નહોતી, તમે ગમે એટલા ઓપરેશન હાથ ધરો પરંતુ તમે સત્યની પાછળ છૂપાઇ નહીં શકો. નેતાગીરીનો મતલબ માત્ર જશ લેવાનો નહીં જવાબદારી લેવાનો પણ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *