વરસાદી પાણીથી ત્રાસીને સ્થાનિકોનો બાવળા-ધોળકા હાઇવે પર ચક્કાજામ, ધારાસભ્ય ઊભી પૂંછડિયે ભાગ્યા….

Latest News Uncategorized અપરાધ કાયદો

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યાએ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. બાવળામાં પાણી નહીં પણ પાણીમાં બાવળા જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. બાવળા પોલીસ સ્ટેશન પાસે આવેલી સોસાયટીના રસ્તોએ બાવળાથી ધોળકા જતાં રોડ પર વાહનો રોકી વિરોધ વ્યક્ત કર્યો હતો.  વરસાદ બંધ થયાના બે દિવસ વીતી ગયા હોવા છતાં, બાવળા શહેર બેટમાં ફેરવાયું છે અને પાણી ઓસર્યા નથી. સ્વાગત રેસિડેન્સી, રત્નદીપ સોસાયટી અને બળિયાદેવ વિસ્તારમાં ઘરો અને દુકાનોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ સાથે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહિલાઓએ મામલતદારની ગાડી અટકાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત રોષે ભરાયેલા રહીશોએ ધારાસભ્ય કનુ પટેલનો ઘેરાવો કર્યો હતો. જો કે, કનુ પટેલ સવાલોના જવાબ આપવાને બદલે ઘટનાસ્થળેથી રવાના થઈ ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે નગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. પરિણામે, લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ “હાય રે નગરપાલિકા” ના નારા લગાવ્યા હતા વરસાદી પાણીના ભરાવાને લઇને રોષે ભરાયેલા રહીશોએ બાવળા-ધોળકા માર્ગ પર ચક્કાજામ કરતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બાવળામાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને વરસાદી પાણીના નિકાલની કાયમી સમસ્યાને ઉજાગર કરે છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *