રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં: લોકસાહિત્યકાર મીરાબેન આહિરને થયો કડવો અનુભવ, ગંભીર આક્ષેપો

Latest News અપરાધ આરોગ્ય કાયદો

રાજકોટની સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદના વમળમાં ફસાઈ છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર મીરાબેન આહિરે રાજકોટ હોસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મીરાબેન આહિરના જણાવ્યા અનુસાર, તેઓ તેમના ભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. આશરે 45 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હોવા છતાં, તેમના ભાઈનો કેસ નોંધવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના ડોક્ટર અને સ્ટાફે તેમની સાથે ગેરવર્તન કર્યું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.

મીરાબેન આહિરે જણાવ્યું કે, સ્ટાફ દ્વારા તેમને “નથી દાખલ કરવો તારાથી જે થાય એ કરી લે!” તેવી ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ મીરાબેન આહિરે એક વીડિયો જાહેર કરીને સિવિલ હોસ્પિટલ તંત્ર પાસેથી તેમની સાથે કરવામાં આવેલા વ્યવહાર અંગે જવાબ માંગ્યો છે. તેમણે આ મામલે જવાબદાર ડોક્ટર અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે.

આ ઘટના બાદ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં આ તપાસના તારણો શું હશે અને જવાબદારો સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું. આ ઘટનાએ ફરી એકવાર સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ પ્રત્યેના વ્યવહાર અને સુવિધાઓ પર સવાલ ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *