કચ્છમાં ‘કાશ્મીર’ જેવો માહોલ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદર!

Latest News ગુજરાત

ઉત્તર તરફથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. રવિવારે (11મી જાન્યુઆરી) કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન છે.

કાતિલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. ઠંડીના ડરથી શહેરો અને ગામડાઓમાં રાત્રે 8 વાગ્યા બાદ સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે અને લોકો સવારે મોડા સુધી ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. પશુપાલકો અને ખેડૂતોએ ઠંડીથી બચવા માટે ઠેર-ઠેર તાપણાંનો સહારો લીધો છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી 24થી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે હજુ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે, જેનાથી લઘુત્તમ તાપમાનમાં આંશિક વધઘટ જોવા મળી શકે છે.